થાણેમાં રૂ. 31.45 લાખનો નશીલો પદાર્થ જપ્ત:

ઇન્સ્ટાગ્રામ પર ઓર્ડર લઇને ડ્રગ્સ સપ્લાય કરનારો યુવક ઝડપાયો
થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચે રૂ. 31.45 લાખની કિંમતનો નશીલો પદાર્થ પકડી પાડીને 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ ઋષભ સંજય ભાલેરાવ તરીકે થઇ હોઇ તે સોશિયલ મીડિયા પર ઓર્ડર લઇને કુરિયરથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ભાલેરાવને કોર્ટે 12 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે વાગલે એસ્ટેટ ખાતે ઇન્દિરાનગરમાં માર્કેટ નજીક છટકું ગોઠવીને ભાલેરાવને ઝડપી પાડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ડ્રગ્સનો ઓર્ડર લીધા બાદ તેને પેકેટ બનાવી કુરિયર મારફત ગ્રાહકોને સપ્લાય કરનારા ભાલેરાવની તલાશી લેવાતાં ત્રણ કિલો ગાંજો, મોબાઇલ અને રોકડ મળી આવ્યાં હતાં. ભાલેરાવની પૂછપરછ બાદ બદલાપુર ખાતેના તેના ઘરની તલાશી લેવાતાં 60.5 કિલો ગાંજો, 290 ગ્રામ ચરસ અને હૅશ (હશીશ) ઓઇલની 19 નાની બોટલ મળી આવી હતી.
શહાપુરના રહેવાસી ભાલેરાવે બદલાપુરમાં નશીલો પદાર્થ રાખવા માટે રૂમ લઇ રાખી હતી. ભાલેરાવ ઇન્સ્ટાગ્રામ પર ડ્રગ્સનો ઓર્ડર લેતો હતો અને ગૂગલ પૅ દ્વારા પૈસા સ્વીકારતો હતો અને બાદમાં તે કુરિયરથી ડ્રગ્સ ગ્રાહક સુધી પહોંચાડતો હતો. જે લોકોએ ઇન્સ્ટાગ્રામ પર ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો, તેમની સામે પણ કાર્યવાહી કરાશે, એમ પોલીસે કહ્યું હતું.