ડ્રગ્સની તસ્કરીમાં ‘ફોટો કોડ’નો ઉપયોગ | મુંબઈ સમાચાર

ડ્રગ્સની તસ્કરીમાં ‘ફોટો કોડ’નો ઉપયોગ

મુંબઈ: મુંબઈની સાકીનાકા પોલીસે કર્ણાટકમાં ગૅરેજની આડમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યા બાદ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલા આરોપીઓ ‘ફોટો કોડ’નો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડ્રગ્સનું વિતરણ કરનારી અને રિસીવ કરનારી વ્યક્તિ એકબીજાથી અજાણ હોય છે અને પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતો હોવાનું તપાસમાં જણાયું હતું.

સાકીનાકા પોલીસે એપ્રિલ મહિનામાં વસઈના કામણ ખાતેની એક લૅબોરેટરી પર રેઇડ કરી અંદાજે આઠ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આ જ કેસની તપાસમાં પોલીસે તાજેતરમાં સલીમ શેખ ઉર્ફે સલીમ લંગડાને બાન્દ્રાથી પકડી પાડ્યો હતો. લંગડાએ પૂછપરછમાં કર્ણાટકના મૈસૂરથી ડ્રગ્સ લાવતો હોવાની કબૂલાત કરી હતી.

આપણ વાંચો: ભૂતપૂર્વ બોડીબિલ્ડર અને ભાજપના નેતાનો પુત્ર મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો

માહિતીને આધારે પોલીસની ટીમે મૈસૂરના રિંગ રોડ પર ગૅરેજ અને હોટેલની આડમાં ચાલતા એમડી બનાવવાના કારખાના પર કાર્યવાહી કરી હતી. ત્યાંથી 382 કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું.

આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સના ‘કુરિયર’ અને ‘રિસીવરો’ એકબીજાને ઓળખી કાઢવા માટે ફોટો કોડનો ઉપયોગ કરતા હતા. ડ્રગ્સની તસ્કરીમાં બે જૂથ કામ કરતાં હતાં.

એક જૂથ કર્ણાટકથી ડ્રગ્સ મુંબઈ લાવતું હતું, જેને કુરિયર અને મુંબઈમાં ડ્રગ્સ પ્રાપ્ત કરનારા બીજા જૂથને રિસીવર તરીકે ઓળખવામાં આવતું. આ બન્ને જૂથના લોકો એકબીજાને ઓળખતા નહોતા.

આપણ વાંચો: 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…

ડ્રગ્સની ડિલિવરી હોય ત્યારે બન્ને જૂથની વ્યક્તિ તેમના શર્ટની તસવીરો એકબીજાને વૉટ્સઍપ પર મોકલાવી દેતી. પછી એ શર્ટને આધારે જ બન્ને એકબીજાની ઓળખાણની ખાતરી કરતી. ડીલ દરમિયાન આરોપીઓ ભૂલથી પણ ફોન પર વાતચીત કરતા નહીં. કહેવાય છે કે કુખ્યાત બિશ્ર્નોઈ ટોળકીના સભ્યો પણ શસ્ત્રોના સોદા દરમિયાન આ જ પદ્ધતિ વાપરતા હતા.

ડ્રગ્સની ડિલિવરી માટે આરોપીઓ કર્ણાટકથી જાહેર પરિવહનની બસમાં જ મુસાફરી કરતા. ખાનગી વાહનોને રોકીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે, જ્યારે જાહેર પરિવહનની બસોને રોકવામાં આવતી નથી.

વળી, બસમાં ભીડને કારણે સહેલાઈથી ડ્રગ્સની તસ્કરી થતી હોવાનો દાવો એક આરોપીએ પોલીસ પૂછપરછમાં કર્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button