ડ્રગ્સ અને પૈસાના વિવાદમાં અપહરણ કરાયેલા ડ્રગમાફિયાનો ઉત્તર પ્રદેશથી છુટકારો કરાવ્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડ્રગ્સ અને પૈસાના વિવાદમાં અપહરણ કરાયેલા ડ્રગમાફિયાનો ઉત્તર પ્રદેશથી છુટકારો કરાવ્યો

ઉત્તર પ્રદેશ, રાયગડ અને મુંબઈથી સાત આરોપીની ધરપકડ

મુંબઈ: ડ્રગ્સ અને પૈસાને મુદ્દે થયેલા વિવાદમાં ડ્રગમાફિયા અને તેના સાથીદાર એસ્ટેટ એજન્ટનું પશ્ચિમી પરાંથી અપહરણ કરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ, રાયગડ તેમ જ મુંબઈથી સાત આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ડ્રગમાફિયાનો ઉત્તર પ્રદેશથી છુટકારો કરાવવામાં આવ્યો હતો. આરોપીઓએ ગુનો આચરવા માટે વાપરેલી બે કાર જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સરવર ખાન, મેહતાબ, રાહુલ સાવંત, સંતોષ વાઘમારે, સતીષ કડુ, યુનુસ તેવરપલ્લી અને તૌફિક સમધી તરીકે થઇ હતી. આ કેસનો મુખ્ય આરોપી સરવર ખાન છે જે કુખ્યાત ગેન્ગસ્ટર છોટા શકીલની ટોળકી સાથે સંકળાયેલો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: દુબઈથી ડ્રગ્સ રેકેટ ચલાવતો મુસ્તફા ભારતમાં પ્રત્યાર્પણ: CBI અને મુંબઈ પોલીસની મોટી સફળતા

જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં ઓશિવરા ખાતે હોટેલ નજીકથી ડ્રગમાફિયા સાજીદ ઇલેક્ટ્રિકવાલા અને તેના સાથીદાર એસ્ટેટ એજન્ટ શબ્બીર સિદ્દીકીનું 12 જૂન, 2025ના રોજ સાતથી આઠ લોકોએ ત્રણ કારમાં અપહરણ કર્યું હતું. તેમને રાયગડ જિલ્લાના ફાર્મહાઉસમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને ગોંધી રાખી ખંડણી માટે બેરહેમીથી મારપીટ કરવામાં આવી હતી.

દરમિયાન એસ્ટેટ એજન્ટ બે દિવસ બાદ આરોપીઓની ચૂંગાલમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો અને તેણે બાદમાં ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. આથી 10 જુલાઇએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે છ ટીમ તૈયાર કરાઇ હતી.

આ પણ વાંચો: નવી મુંબઈમાં 15.36 લાખનું ડ્રગ્સ જપ્ત: પંજાબના બે રહેવાસી પકડાયા

આરોપીઓ અપહૃતને મુંબઇથી રાયગડ, નાશિક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી લઇ ગયા હતા. આની માહિતી મળતાં પોલીસની ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી. આખરે પોલીસે ચાર આરોપીને મુંબઈ અને રાયગડથી પકડી પાડ્યા હતા, જ્યારે ત્રણ આરોપીને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ (એસટીએફ)ની મદદથી બાંદા ખાતેથી તાબામાં લઇને અપહૃતનો છુટકારો કરાવાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર અપહરણ કરાયેલા ડ્રગમાફિયાનુની 2015માં કરોડોના મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં તેની મુલાકાત આરોપી સાથે થઇ હતી, જેણે તેને જેલમાં મદદ કરી હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button