પાલઘરના સાંસદે હાઇવે અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાકીદે મદદ કરી…

પાલઘર: પાલઘરના સાંસદ ડો. હેમંત સાવરાએ મુંબઈ-અમદાવાદ હાઇવે પર રોડ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પ્રાથમિક તબીબી સહાય પૂરી પાડીને માણસાઈનો પરિચય આપ્યો હતો. એક વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સાવરાએ હાઇવે પર એક મહિલાને ઘાયલ હાલતમાં પડેલી જોઈને પોતાનું વાહન રોક્યું હતું.
તેમણે નજીકમાં પડેલા કાર્ડબોર્ડના ટુકડા અને લાકડા સહિતની ઉપલબ્ધ સામગ્રી ઝડપથી એકઠી કરી હતી અને તેમણે ઘાયલ મહિલાને પ્રાથમિક સારવાર આપવા માટે તેમના સાથીદારો પાસેથી લઈને રૂમાલનો ઉપયોગ કર્યો હતો. આ મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હોય તેવું લાગી રહ્યું હતું.
ડો. સાવરાએ મહિલાને વધુ સારવાર માટે તેમના વાહનમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો અને તેમણે પોતે મુસાફરી ચાલુ રાખવા માટે બીજી કારનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે મહિલા વધુ સારવાર લઈ રહી છે અને તેની હાલત સ્થિર છે. (એજન્સી)