આજે સાંજે 7.49 વાગ્યે આ અનોખો અવકાશી નજારો જોવાનું રખેને ચૂકતા, નહીંતર…
મુંબઈઃ આજે એટલે કે 23મી એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે અને ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે દેખાનારા ચંદ્રને પિંક મૂન તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે સાંજે 7.49 કલાકે ચંદ્ર સૌથી તેજસ્વી દેખાશે અને આ એક ખગોળીય ઘટના છે. આ દિવસે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે એટલે બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી વધુ નજીક હોય છે અને એ દિવસે પૂનમ હોય છે જેને કારણે ચંદ્ર મોટો દેખાય છે.
હવે તમને થશે કે પિંક મૂન એટલે ચંદ્ર ગુલાબી રંગનો દેખાશે તો એવું નથી ભાઈસાબ. પણ હા ચંદ્રમાં ગુલાબી રંગની આછી છાંટ ચોક્કસ જોવા મળે છે. પિંક મૂન નામ પૂર્વ અમેરિકામાં જોવા મળનારા મોસ પિંક નામના ફૂલ પરથી આપવામાં આવ્યું છે અને એને સ્પ્રાઉટિંગ ગ્રાસ મૂન, એગ મૂન, ફિશ મૂન, પાસ ઓવ્હર મૂન, પાક પોયા અને ફેસ્ટિવલ મૂન તરીકે પણ ઓળખાય છે.
પિંક મૂન સિવાય પણ આકાશમાં અનેક વખત ચંદ્રની વિવિધ કળાઓ જોવા મળે છે. આકાશમાં સૂર્યપ્રકાશ ફેલાઈ જવાને તકારણે ચંદ્રનો રંગ લાલ કે કેસરી થઈ જાય છે. જેને કારણે આપણને ચંદ્ર લાલ દેખાય છે. પ્રદૂષણને કારણે ક્યારેત ચંદ્રનો રંગ પીળો પણ દેખાય છે. ખગોળશાસ્ત્રીઓના મતે વાતાવરણમાં ફેલાતા રંગોને કારણે ચંદ્રનો રંગ ક્યારેક આછો ભૂરો પણ જોવા મળે છે. ચંદ્ર પર જોવા ડાઘને કારણે ચંદ્રને તપકિરી રંગની છાંટ પણ જોવા મળે છે.