હવે ગાફેલ ન રહેતા: એકનાથ શિંદેની કાર્યકરોને અપીલ
તેમણે એવો સવાલ કર્યો કે ખોટા નેરેટિવ ચલાવનારાને જવાબ આપશો કે નહીં?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરે એનડીએને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાયુતિને ખરાબ રીતે ફટકો પડ્યો છે. મહાવિકાસ અઘાડીને એનડીએની સીટ ફાળવણીમાં વિવાદ, તેના કારણે થયેલો વિલંબ અને પ્રચાર માટે મળેલા ઓછા સમયનો ફાયદો થયો. પરિણામે મહાયુતિએ લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી કરતાં ઓછી બેઠકો જીતી હતી. તેથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ સૌથી વધુ જીત મેળવી હોવાનું જોવા મળ્યું હતું. જો કે, વિધાનસભામાં આવી જ સ્થિતિ ન સર્જાય તે માટે મહાયુતિએ હવે પોતાનો કમરપટ્ટો કસ્યો છે અને આને જ પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ કાર્યકર્તાઓને ગાફેલ ન રહેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ખોટા નેરેટિવને આધારે મહાવિકાસ આઘાડીએ વિજય મેળવ્યો છે, હવે લોકો ફસાય નહીં તેનું ધ્યાન રાખજો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે રાજ્ય સ્તરીય સામાજિક ન્યાય સંમેલનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. કેટલાક લોકોએ તેમાં ખોટા નેરેટિવ ચલાવ્યા હતા. ખોટા અહેવાલો વહેતા કર્યા હતા. તેઓ એવો ડર ફેલાવે છે કે બંધારણ બદલાશે, અનામત રદ થશે.
હું તમને કહેવા માગું છું કે દુનિયામાં આપણા દેશનું નામ લેવામાં આવી રહ્યું છે. અગાઉ પાકિસ્તાનના હુમલા પછી આપણા (ભૂતપૂર્વ) વડાપ્રધાન યુનોમાં જઈને કહેતા હતા કે આ અંગે કંઈક કરવું જોઈએ. પરંતુ હવે પાકિસ્તાન હુમલો કરશે તો ઘરમાં ઘૂસીને મારીશું એમ વડાપ્રધાન કહે છે.
આ પણ વાંચો : BJP Vs NCP: પુણેના અકસ્માત મુદ્દે ભાજપ અને અજિત પવારની પાર્ટી સામસામે
મોદીને હટાવવા વાળા જ હટી ગયા, મોદી તો ગાદી પર બેઠા. તેઓ ખોટા નેરેટિવ ફેલાવે છે. તમે જાગૃત થઈને આનો જવાબ આપશો કે નહીં? એવો પ્રશ્ર્ન પણ તેમણે આ પ્રસંગે ઉઠાવ્યો હતો.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છે. આપના દેશના નાગરિકો ત્યાં ફસાઈ ગયા હતા. તેમાં બધા જાતી-ધર્મના લોકો હતા. તેમના માતા-પિતાનું શું થયું હોત? તેમને ડર હતો કે તેમના બાળકોનું શું થશે. આ યુદ્ધ રોકવાની હિંમત કોની હતી? પરંતુ મોદીએ આ યુદ્ધ અટકાવ્યું. બે કલાક માટે યુદ્ધ અટકાવ્યું અને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા ભારત લાવ્યા. આ લોકો વિદેશ જઈને અમને બદનામ કરે છે. હું એક દેશભક્ત તરીકે બોલું છું, આ દેશના સેવક તરીકે બોલું છું, ભલે હું મહાયુતિમાં હોઉં કે એનડીએનો ભાગ હોઉં એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
હવે ગાફેલ ન રહેતા
તેમણે ઉમેર્યું હતું કે હવે ગાફેલ રહેતા નહીં. અમે પણ ગાફેલ રહી ગયા. હું તમામ મીડિયા, ચેનલો પર સંખ્યાબળ જોઈ રહ્યો હતો. આ બધું નેરેટિવ સેટ કરવાનો ભાગ છે. જો આ સાચું હોય તો કોઈ સમસ્યા નથી. અન્ય દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. પરંતુ આપણા દેશની અર્થવ્યવસ્થા અગિયારમાથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે એમ પણ તેમણે મોદીને શ્રેય આપતાં કહ્યું હતું.