લિવ-ઈન રિલેશનશિપનો અંત લાવનારી મહિલાનો અશ્ર્લીલ વીડિયો વાયરલ કરનારા સામે ગુનો
થાણે: લિવ-ઈન રિલેશનશિપ તોડી નાખનારી મહિલાનો અશ્ર્લીલ વીડિયો સોશિયલ મેસેજિંગ પ્લૅટફોર્મ પર કથિત રીતે વાયરલ કરનારા યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ 47 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે શાહપુરમાં રહેતા કિરણ બાગરાવ (29) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલા આરોપી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. તે સમયગાળામાં આરોપીએ મહિલા પાસેથી સોનાના દાગીના લીધા હતા. એક વાર તો મહિલા નાહતી હતી તેનું વીડિયો રેકોર્ડિંગ આરોપીએ કર્યું હતું. બાદમાં મહિલાએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો ઇનકાર કરતાં અને દાગીના પાછા માગતાં યુવાને વ્હૉટ્સએપ પર અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાએ મળવાની ના પાડી દેતાં આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી, એવો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો.
આરોપી અને મહિલા ઑગસ્ટ, 2022થી જાન્યુઆરી, 2024 દરમિયાન ડોમ્બિવલી અને માજીવાડા ખાતે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હતાં. આ પ્રકરણે કાપૂરબાવડી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 506 અને 509 તેમ જ આઈટી ઍક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)