ડોમ્બિવલીમાં યુવકે ગળાફાંસો ખાધો: વ્હૉટ્સઍપ ચેટ્સને આધારે મહિલા વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો

થાણે: ડોમ્બિવલીમાં યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર પોલીસે 21 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બંને વચ્ચેના વ્હૉટ્સઍપ ચેટ્સમાં યુવકને જીવનનો અંત આણવા માટે મહિલાએ ઉશ્કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ડોમ્બિવલી પૂર્વના સાગાવ ખાતે વરચાપાડા વિસ્તારમાં રહેતા સાહિલ સહદેવ ઠાકુરે (21) 26 જૂને ઘરમાં ગળાફાંસો ખાધો હતો.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સાહિલ ઠાકુર અને મહિલા એકબીજાને ઓળખતા હતાં. ઘટનાને દિવસે સાહિલના પરિવારજનો ધાર્મિક યાત્રા માટે શહેરની બહાર ગયા હતા અને સાહિલ ઘરમાં એકલો હતો.
પરિવારજનો પાછા ફર્યા ત્યારે સાહિલ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, પણ પરિવારજનોએ બાદમાં સાહિલનો મોબાઇલ તપાસતાં તેમાં ‘બબલી’ નામની મહિલા સાથે તેની સંખ્યાબંધ વ્હૉટ્સઍપ ચેટ્સ મળી આવી હતી.
દરમિયાન રાજકીય પક્ષનો ભૂતપૂર્વ પદાધિકારી સોમવારે સાહિલના પરિવારજનો સાથે માનપાડા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તેમણે પોલીસને ચેટ રેકોડર્સ બતાવ્યા હતા, જેમાં આત્મહત્યાના કલાકો અગાઉ પાડે ગામની મહિલા અને સાહિલ વચ્ચે કેટલીક વાંધાજનક વાતો થઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સાહિલના મૃત્યુ અગાઉ મોડી રાતે બે વાગ્યાથી 3.15 વાગ્યા વચ્ચે મહિલા સાથે ફોન પર તેનો ઝઘડો થયો હતો.
સંદેશાઓમાં મહિલાએ કથિત રીતે સાહિલને કહ્યું હતું કે ‘ઘરમાં કોઇ નથી. ગળાફાંસો ખાઇ લે. નવી સાડી નહી, જૂની સાડીનો ઉપયોગ કર.’
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપન શિંદેએ પુષ્ટિ આપી હતી કે ચેટ્સની તપાસ કરવામાં આવી હતી અને તે ગંભીર સ્વરૂપની હોવાનું જાણવા મળ્યું હતું.
પરિવારજનોએ આપેલા ડિજિટલ પુરાવા અને તેમની ફરિયાદને આધારે પોલીસે સોમવારે મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)