ડોમ્બિવલીમાં સર્પદંશથી માસી-ભાણેજે જીવ ગુમાવ્યા…

સાડાચાર વર્ષની બાળકી અચાનક ઊંઘમાંથી જાગીને રડવા લાગી ત્યારે માસીએ ધ્યાન આપ્યું: અમુક મિનિટો પછી સાપ માસીને પણ કરડ્યો
થાણે: ડોમ્બિવલીમાં બનેલી આંચકાજનક ઘટનામાં ઘરમાં સાથે સૂતેલી માસી-ભાણેજે સર્પદંશને કારણે જીવ ગુમાવ્યા હતા. સાડાચાર વર્ષની બાળકી અચાનક ઊંઘમાંથી જાગીને રડવા લાગી હતી, પરંતુ તે સમયે માસીએ ધ્યાન ન આપતાં તેને પણ સાપ કરડ્યો હતો.
રાજ્યના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ઠાકુર્લી નજીક ખંબાલપાડા વિસ્તારમાં રવિવારની રાતે બની હતી. ઘરમાં સૂતેલી બાળકી પ્રાણવી વિકી ભોઈર અને તેની માસી શ્રુતિ અનિલ ઠાકુરને કોબ્રા સાપ કરડ્યો હતો.
કહેવાય છે કે સાપ પહેલાં બાળકીને કરડ્યો હતો, જેને કારણે ઊંઘમાંથી જાગીને તે રડવા લાગી હતી. જોકે બાળકીના રડવા પાછળનું કારણ જાણવાનો માસીએ પ્રયાસ કર્યો નહોતો. ઊલટું, બાળકીને સમજાવીને તેની માતા પાસે સૂવા મોકલી આપી હતી.

માતા પાસે જઈને પણ બાળકી સતત રડી રહી હતી. એ સમય દરમિયાન સાપ માસીને પણ કરડ્યો હતો. બાદમાં બાળકીને સાપ કરડ્યો હોવાની જાણ પરિવારને થઈ હતી. સર્પદંશની જાણ થતાં પરિવારજનો બન્નેને તાત્કાલિક કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ડોમ્બિવલીમાં આવેલી શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
બન્નેને તપાસી ડૉક્ટરોએ સારવાર ચાલુ કરી હતી. જોકે કલાક પછી બાળકીનું સ્વાસ્થ્ય ઝડપથી કથળી રહ્યું હોવાનું જણાતાં ડૉક્ટરે તેને કલવાની છત્રપતિ શિવાજી હૉસ્પિટલમાં લઈ જવાનું સૂચવ્યું હતું. જોકે બાળકીને શિફ્ટ કરતી વખતે હૉસ્પિટલના ગેટ પાસે જ તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હૉસ્પિટલ કલાક સુધી ડૉક્ટર અને કાર્ડિયાક એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હતી, જેને પગલે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે બાળકીની માસીએ પણ છેલ્લા શ્ર્વાસ લીધા હતા. બન્નેના મોતને પગલે હૉસ્પિટલના ડૉક્ટરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવાની માગણી પરિવારજનોએ કરી હતી.
જોકે શાસ્ત્રી નગર હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. યોગેશ ચૌધરીએ બેદરકારી અને વિલંબના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. (પીટીઆઈ)
આ પણ વાંચો…2000થી વધુ સાપને બચાવનાર યુવકનો કાળ સાપ જ બન્યો, સર્પદંશથી કરુણ મોત