છોકરીનો પીછો કરવાનો આક્ષેપ કરી મારપીટ કરવામાં આવતાં યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું
મોબાઈલમાંથી મળેલા વીડિયો મેસેજ પછી પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો

થાણે: છોકરીનો પીછો કરવાનો આરોપ કરીને અમુક લોકોએ મારપીટ કરતાં હતાશ યુવકે ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન મૃતકના મોબાઈલ ફોનમાંથી મળેલા વીડિયો મેસેજ બાદ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો હતો.
ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણ ઉંદ્રેએ જણાવ્યું હતું કે ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી. પાલઘર જિલ્લામાં રહેતા રોશન પટેલનું જેએનપીટી તરફ જતી ગૂડ્સ ટ્રેનની અડફેટે મૃત્યુ થયું હતું. ઘટનાની નોંધ કરી રેલવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃત્યુના એક દિવસ અગાઉ જ અમુક લોકોએ પટેલની મારપીટ કરી હતી. છોકરીનો પીછો કરતો હોવાનો આક્ષેપ કરી પટેલ જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં જ તેની મારપીટ કરાઈ હતી, જેને પગલે તે ડિપ્રેશનમાં હતો.
આ પણ વાંચો :થાણેમાં રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડામાં હાર્ટએકેટ આવતાં શખસનું મોત…
દરમિયાન પોલીસે પટેલના મોબાઈલ ફોનની તપાસ કરી હતી. મોબાઈલમાંથી એક વીડિયો મેસેજ મળી આવ્યો હતો, જેમાં પટેલે તેના અંતિમ પગલા ભરવા પાછળનું કારણ જણાવ્યું હતું અને આ માટે આરોપીઓને દોષી ગણાવ્યા હતા. આ વીડિયોને સુસાઈડ નોટ ગણીને ગુનો નોંધવામાં આવ્યો હોવાનું કિરણ ઉંદ્રેએ જણાવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે પાલઘર જિલ્લામાં રહેતા શિવા અને અન્ય અજાણ્યા શખસો વિરુદ્ધ પટેલને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)