બનાવટી ગૉલ્ડ કોઈન્સના બદલામાં યુવાને 10 લાખનો નેકલેસ ખરીદ્યો

થાણે: બનાવટી ગૉલ્ડ કોઈન્સ પધરાવીને બદલામાં 10.33 લાખ રૂપિયાનો નેકલેસ ખરીદી અજાણ્યા શખસે કથિત છેતરપિંડી કરી હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી.
પોલીસ ફરિયાદ અનુસાર 30 ઑગસ્ટે અજાણ્યો શખસ ડોમ્બિવલીની જ્વેલરી શૉપમાં આવ્યો હતો. ફરિયાદી સેલ્સવુમનને તેણે પત્નીનો જન્મદિન હોવાથી સોનાનો નેકલેસ ખરીદવા આવ્યો હોવાનું કહ્યું હતું. પછી 10.33 લાખ રૂપિયાનો નેકલેસ ખરીદવાની તેણે તૈયારી દાખવી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી: પોલીસે કઈ રીતે કર્યો રેકેટનો પર્દાફાશ, જાણો?
જોકે નેકલેસની કિંમત રોકડ અથવા કાર્ડથી ચૂકવવાને બદલે આરોપીએ તેટલી જ કિંમતના ગૉલ્ડ કોઈન્સ આપ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ આનાકાની કરી હતી, પરંતુ બાદમાં તેણે ગૉલ્ડ કોઈન્સ લેવાનું માન્ય રાખ્યું હતું.
આરોપી નેકલેસ લઈને દુકાનમાંથી નીકળી ગયા પછી તપાસ કરતાં ગૉલ્ડ કોઈન્સ નકલી હોવાનું જણાયું હતું. આ પ્રકરણે પોલીસે ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આરોપીની ઓળખ મેળવવા માટે પોલીસ દુકાનમાં લાગેલા અને આસપાસના પરિસરમાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)