ડોંબિવલીમાં ફ્લેટમાંથી 2.12 કરોડનું મેફેડ્રોનડ્રગ્સ પકડાયું: મહિલા સહિત ત્રણની ધરપકડ…

થાણે: ડોંબિવલીમાં ફ્લેટમાંથી 2.12 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડી પાડી પોલીસે મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3, કલ્યાણ) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે ગુરુવારે રાતે ડોંબિવલીમાં ખોની ગામ નજીક ફ્લેટમાં રેઇડ પાડી હતી.
ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલી 21 વર્ષની મહિલાને ઘટનાસ્થળે તાબામાં લેવાઇ હતી. એ સમયે તેના બે સાથીદાર ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જોકે બાદમાં તેમને પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓ એક ગેન્ગના સભ્ય હોઇ બે પુરુષ ડ્રગ્સના પુરવઠા અને લોજિસ્ટિક્સનું સંચાલન કરતા હતા, જ્યારે મહિલા ડ્રગ્સ સપ્લાય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હતી.
પોલીસે ફ્લેટમાં રેઇડ પાડી 2.12 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને મહિલા સહિત ત્રણ આરોપી વિરુદ્ધ માનપાડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ હવે આરોપીઓના અન્ય સાથીદારોની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)