ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: માલિક મલય મહેતાને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ
થાણે: ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરાયેલા માલિક મલય મહેતાને શનિવારે કોર્ટમાં હાજર કરાતાં તેને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
અમુદાન કેમિકલ્સના માલિક મલય મહેતા (38)ને કલ્યાણની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો અને પોલીસે તેની 14 દિવસની કસ્ટડીની માગણી કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ફેક્ટરીની સાઇટની મુલાકાત લેવી પડશે અને આ ગુનામાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવાની જરૂર છે.
વિસ્ફોટને કારણે નુકસાન વધુ પ્રમાણમાં થયું છે અને આ ઘટનામાં પોલીસ ઘણા લોકોની ભૂમિકા તપાસવા માગતી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો: ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં ચારનાં મોતઃ ફડણવીસે આપ્યું નિવેદન
દરમિયાન મહેતાના વકીલે દલીલ કરી હતી કે કંપની પાસે તમામ જરૂરી પરવાનગીઓ છે અને તે તમામ નિયમોનું પાલન કરે છે.
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે આરોપી મલય મહેતાને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરના આર સિટી મૉલ સામેની કલ્પતરુ ઓરા ઇમારતમાં રહેનારા મલય મહેતાને શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ સ્કવોડે થાણેથી ઝડપી પાડ્યો હતો, જ્યારે નાશિકથી મલયનાં માતા માલતીબહેનને તાબામાં લેવાયાં હતાં.
માનપાડા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ભારતીય દંડસંહિતાની કલમ 304 (સદોષ મનુષ્યવધ) તથા અન્ય કલમો અને એક્સપ્લોઝિવ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ કંપનીના માલિકો, ડિરેક્ટર્સ તથા અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)