ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ: 10માંથી ચાર મૃતકોને ઓળખી કઢાયા

થાણે: ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં ગયા મહિને થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 10માંથી ચાર મૃતકોની ઓળખ હમણાં સુધી થઇ છે, જ્યારે બાકીનાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડોંબિવલી એમઆઇડીસીમાં અમુદાન કેમિકલ્સમાં 23 મેના રોજ રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે લગભગ ત્રણ કિલોમીટર સુધી તેની અસર વર્તાઇ હતી અને અનેક ઇમારતો તથા ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. કાર, માર્ગ અને વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં 10 જણનાં મોત થયાં હતાં, જ્યારે 60થી વધુ લોકો ઇજા પામ્યા હતા.
આ પણ વાંચો: ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: માલિક મલય મહેતાને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ
મૃતકોમાંથી એક પુરુષ અને બે મહિલાની ઓળખ અગાઉ થઇ ગઇ હતી. ડીએનએ સેમ્પલને આધારે વધુ એકની ઓળખ થઇ છે, જેમાં વિશાલ પોડવાલનો સમાવેશ થાય છે, એમ શાસ્ત્રીનગર સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિકારી દીપા શુકલાએ કહ્યું હતું.
મૃતક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક અસરગ્રસ્ત ફેક્ટરીમાં કામ કરતો હતો. તેની પત્નીએ બુધવારે મૃતદેહ પર દાવો કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
આ સાથે હમણાં સુધી ચાર મૃતદેહની ઓળખ સ્થાપિત થઇ ચૂકી છે. નવ અન્ય દાવેદારો (જેમના સંબંધી ગુમ છે)ના ડીએનએ સેમ્પલ પરીક્ષણ માટે મોકલી અપાયા છે. વિસ્ફોટના સ્થળ પરથી શરીરના અલગ અલગ કુલ 26 ભાગ મળી આવ્યા હતા, જે કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા દ્વારા પરીક્ષણ માટે મોકલી અપાયા છે અને તેના પરિણામની રાહ જોવાઇ રહી છે. (પીટીઆઇ)