આમચી મુંબઈ

ડોંબિવલીમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો: યુવકની ધરપકડ માથે થયેલું દેવું ચૂકવવા આચર્યો ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ડોંબિવલીમાં 65 વર્ષની વૃદ્ધાની હત્યા બાદ લૂંટનો કેસ વિષ્ણુનગર પોલીસે ઉકેલી કાઢીને 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ક્રિકેટ પર સટ્ટો રમવાના નાદમાં માથે થયેલું દેવું ચૂકવવા માટે યુવકે ગુનો આચર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

વિષ્ણુનગર પોલીસે ધરપકડ કરેલા યુવકની ઓળખ યશ સતીષ વિચારે (28) તરીકે થઇ હતી. યશ વિચારે ડોંબિવલીમાં શાસ્ત્રીનગર હોસ્પિટલ નજીક આવેલી વસંત નિવાસ ઇમારતમાં રહે છે. આ જ ઇમારતમાં પહેલા માળે રહેતી આશા રાયકર નામની વૃદ્ધાની ગુરુવારે બપોરે હત્યા કરાઇ હતી અને તેના દાગીના લૂંટવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IIT ખડગપુરના વિદ્યાર્થીની છરી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, મૃત્યુના 2 વર્ષ પછી ખુલાસો

શુક્રવારે વિષ્ણુનગર પોલીસને બનાવની જાણ થતાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આશા રાયકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. ઇમારતમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે રહેવાસીઓની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઇમારતમાં રહેતા યશ વિચારે પર શંકા ગઇ હતી. આથી તેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર યશ વિચારેને ક્રિકેટ પર સટ્ટો રમવાનો નાદ હતો અને આને કારણે તેના માથે રૂ. 60 હજારનું દેવું થયું હતું. આથી દેવું ચૂકવવા માટે તેણે વૃદ્ધાના દાગીના લૂંટવાની યોજના બનાવી હતી. ગુરુવારે બપોરે તે વૃદ્ધાના ઘરમાં પ્રવેશ્યો હતો. વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેના દાગીના લૂંટી યશ બહારથી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button