શોકિંગઃ મુંબ્રામાં પાંચમા માળેથી ડોગી પડ્યો અને બાળકીનું થયું મોત, વીડિયો વાઈરલ

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાં બનેલી સાવ વિચિત્ર ઘટનામાં પાંચમા માળેથી પડેલો શ્ર્વાન રસ્તા પરથી પસાર થનારી ચાર વર્ષની બાળકી પર પટકાયો હતો. આ ઘટનામાં શ્ર્વાનને ઇજા થઈ હતી, પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
મુંબ્રા પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે 4.30 વાગ્યે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીની ઓળખ સના શેખ તરીકે થઈ હતી. સના માતા સાથે બજારમાં જઈ રહી હતી ત્યારે આ કમનસીબ ઘટના બની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મુંબ્રાના અમૃત નગર દર્ગા રોડ પરની ચિરાગ મેન્શન ઈમારતના પાંચમા માળેથી ડૉગી નીચે પડ્યો હતો. એ જ સમયે માતા સાથે રસ્તા પરથી ચાલતી જઈ રહેલી સના પર ડૉગી પટકાયો હતો. નજીકની ઈમારતમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે કે શ્ર્વાન બાળકી પર પડ્યા પછી બાળકી બેભાન થઈ જાય છે. બાળકીની રાહદારીઓ બાળકીની માતાની મદદે દોડી આવે છે. બાળકીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે. બીજી બાજુ, પાંચમા માળેથી પડેલો શ્ર્વાન બે મિનિટ પછી લંગડાતો ચાલતો નજરે પડે છે.
શ્ર્વાનને ખારઘરની એનિમલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બાળકીને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિકોના કહેવા મુજબ ઘટના સમયે શ્ર્વાનનો માલિક ઘરની બારીમાં ઊભેલો નજરે પડ્યો હતો.
આ પણ વાંચો: છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી
આ પ્રકરણે મુંબ્રા પોલીસે એડીઆર નોંધ્યો હતો. જોકે શ્ર્વાને પોતે કૂદકો માર્યો હતો કે તેને ફેંકવામાં આવ્યો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. શ્ર્વાનને પાળવા તેના માલિકે લાઈસન્સ લીધું હતું કે નહીં તેની તપાસ પોલીસ દ્વારા થાણે પાલિકામાં કરવામાં આવી રહી છે.