નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલા સિમરન ફળ વિશે જાણો છો?
કાશ્મીરથી આવેલા આ નવતર ફળને જોવા અને ચાખવા માટે પડાપડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં હિમાચલ પ્રદેશથી એક નવું ફળ આવ્યું છે અને સ્વાદમાં અત્યંત મીઠા આ ફળના મુંબઈગરાને કામણ લાગ્યા છે. અંદાજે દોઢથી બે હજાર પેટીઓ કાશ્મીરથી આવી હતી અને બે દિવસમાં આખા મુંબઈમાં આ ફળ દેખાવા લાગ્યું હતું. મુંબઈગરાને આ નવતર ફળને જોઈને પહેલાં નવાઈ લાગી હતી, પરંતુ હવે તેમને આના સ્વાદનું ઘેલું લાગ્યું છે.
નવી મુંબઈના ફળ બજારના એક મોટા વેપારીને ત્યાં સોમવારથી આ ફળની પેટીઓ આવવાનું ચાલુ થયું હતું. બુધવારે આ વેપારી બાળુ શિંદેએ મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે આ ફળની અત્યારે બજારમાં 1500થી 1700 પેટીઓ પડી છે. એક પેટીની કિંમત 1200થી 1800 જેટલી રાખવામાં આવી છે અને રિટેલ માર્કેટમાં 160થી 180ના ભાવે આ ફળ વેચવામાં આવે છે.
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થતા આ ફળની મોસમ ત્રણ મહિના રહેતી હોય છે. ઓક્ટોબર-નવેમ્બરથી તેની મોસમ શરૂ થતી હોય છે. આ વખતે પહેલી વખત આ ફળ મુંબઈની બજારમાં આવ્યું છે. અત્યારે રોજની 1200-1500 પેટી ફળ હિમાચલ પ્રદેશના સિમલા અને કુલ્લુમાંથી મુંબઈમાં આવી રહ્યા છે. એક પેટીમાં અંદાજે 12થી 14 કિલો જેટલા સિમરન હોય છે એવી માહિતી તેમણે આપી હતી.
કેવું છે સિમરન?
આ ફળ વિશે માહિતી આપતાં બાળુ શિંદેએ કહ્યું હતું કે આ ફળ ટમેટા અને મોસંબીના મિશ્રણ જેવું છે. સોનેરી રંગનું આ ફળ છે અને સ્વાદમાં અત્યંત મીઠું હોય છે. અન્ય ફળની જેમ આ ફળને પણ અત્યંત આરોગ્યપ્રદ માનવામાં આવે છે. કાચું હોય ત્યારે આ ફળ લીલું કે પીળા રંગનું હોય છે, જે પાકે ત્યારે લાલ રંગ પકડે છે. આ ફળમાં વિટામીન અને પૌષ્ટિકતા બાબતે માહિતી આપતાં વેપારીઓએ કહ્યું હતું કે આ ફળમાં ઘણા વિટામીન છે અને કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હોવાથી જ તે લોકપ્રિય થયું છે. ઉત્તર પ્રદેશમાં ચોમાસું વિદાય થાય પછી આ ફળની મોસમ ચાલુ થાય છે.