દિવાળી નજીક આવતી હોવાના કારણે ફ્લાઇટોના ભાડાં અને મુસાફરોની સંખ્યા બંને વધ્યા…
મુંબઇ: દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ વર્ષે છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોની ફ્લાઈટ્સમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો છે. મુંબઈથી ફ્લાઇટ્સની વધારે અવર જવર ઘરાવતા ટોચનાં બે શહેરો રાંચી અને રાયપુર છે, જ્યાં ઑક્ટોબર સુધી રિર્ટન ભાડું રૂ. 40,000 છે. ત્યારે મુંબઈથી અન્ય શહેરો જેમ કે પ્રયાગરાજ, પટના, લખનઉ, ગયા, દરભંગા અને આગ્રામાંનું રિટર્ન ભાડું રૂ. 30,000થી પણ વધી ગયું છે. તો વળી ગોવા, થિરુવનંતપુરમ, ચેન્નઈ અને હૈદરાબાદ જેવા સ્થળોએ જવા માટેની ટિકિટ હજુ પણ 10,000 રૂપિયાથી પણ ઓછી છે.
તેનું મુખ્ય કારણ એ છે કે એરલાઈન્સ મુંબઈથી ઉત્તરીય સ્થળો માટે દક્ષિણના શહેરો કરતાં ઘણી ઓછી ફ્લાઈટ્સ ચલાવે છે. 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈથી પટના સુધીની ફ્લાઈટમાં દિવાળીની મુસાફરી માટે સૌથી રિટર્ન ભાડું રૂ. 35,000 હતું, જોકે હાલમાં તે ઘટીને રૂ. 33,000 થયું છે.
મુંબઈથી ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, નાગપુર, અમદાવાદ, વડોદરા, ઈન્દોર, કોચી અને ગોવા માટે દિવાળીના ભાડા નવેમ્બર કરતા પણ ઓક્ટોબરમાં વધારે હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછી નોન-સ્ટોપ ફ્લાઈટ્સનો અર્થ એ પણ છે કે તહેવારોની સીઝન નજીક આવી રહી હોવાથી સીટો અવેલેબલ ના હોય જેમકે મૈસૂર અને રાંચી હાલમાં ફક્ત ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સ દ્વારા જ પહોંચી શકાય છે. ઉત્તર તરફ જનારા મુસાફરોએ હંમેશા દિલ્હી થઇને જવું પડે છે. ત્યારે ઉત્તરીય સ્થળો માટે દિલ્હી ટ્રાન્ઝિટ ફ્લાઇટની કિંમત બીજા સ્થળો કરતાં લગભગ 40-50% સસ્તી રહેશે.
આમ જોઇએ તો દિવાળી દરમિયાન સૌથી વધારે બુકિંગ મુખ્ય ત્રણ શહેરોમાં વધી જાય છે. મેટ્રોથી નોન-મેટ્રો ડોમેસ્ટિક ફ્લાઈટ રૂટ દિલ્હીથી લખનઉ, મુંબઈથી પટણા અને ચેન્નઈથી કોલકાતા છે. ત્યારે આ વર્ષે દિવાળીની મુસાફરી માટે સ્થાનિક બુકિંગ ગયા વર્ષની સરખામણીમાં આશરે 28.4% વધ્યું છે.