દિવા-સીએસએમટી લોકલ ટ્રેનની માંગણી હાઇ કોર્ટે કેમ ફગાવી? જાણો કોર્ટે શું ટિપ્પણી કરી

મુંબઈ: ભીડને કારણે ટ્રેનમાં ચડવા ઉતરવામાં દિવાના નાગરિકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિવા મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) વચ્ચે લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા ટિપ્પણી કરી કે કોર્ટ આ વિષયની નિષ્ણાત નથી કે ન તો તે ભારતીય રેલવે કેવી રીતે ચલાવવી તે નક્કી કરી શકે છે. આ સાથે જ કોર્ટે અરજદારને તેમની માંગણી માટે રેલવે પ્રશાસનને રજૂઆત સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આપણ વાંચો: મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…
નવી લોકલ ટ્રેન સેવા શરૂ કરવા માટે કોઈ માપદંડ છે? અરજદારોએ આનો અભ્યાસ કરવો જોઈએ. તે પછી લોકલ સેવાઓ શરૂ કરવા માટે રેલવે પ્રશાસનને વિગતવાર રજૂઆત કરવી જોઈએ, એવી સૂચના પણ મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ મારણેની ખંડપીઠે અરજદારોને આપી હતી.
દિવા સ્ટેશન મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે, છતાં મધ્ય રેલ્વે વહીવટીતંત્ર હંમેશા આ સ્ટેશનની અવગણના કરે છે. દિવા સ્ટેશનમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. દિવાના નાગરિકોને હંમેશાં ખીચોખીચ ભરેલી ટ્રેનોમાં મુસાફરી કરવી પડે છે. જો તેઓ લોકલ ટ્રેનમાં ચઢી જાય, તો તેમને દરવાજા પર લટકીને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે.
આ અસુરક્ષિત મુસાફરી ટાળવા માટે દિવાના મુસાફરો ૨૦૧૪થી દિવા અને સીએસએમટી વચ્ચે લોકલ સેવા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યાંના મુસાફરોએ એકઠા થઈને ઘણી વખત આ સેવા શરૂ કરવા માટે મધ્ય રેલવેના જનરલ મેનેજરને રજૂઆતો કરી છે. જોકે, તેને હંમેશા અવગણવામાં આવી છે, તેથી અરજદાર અમોલ કેન્દ્રે તેમની અરજીમાં દાવો કર્યો છે કે તેમણે છેલ્લા ઉપાય તરીકે હાઇ કોર્ટનો સંપર્ક કર્યો છે.