અજિત પવાર અને અન્ય ૩૯ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવો
શરદ પવારે ચૂંટણી પંચને જણાવ્યું
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, તેમની સાથે સોગંદવિધિ થયો હતો એ પ્રધાનમંડળના આઠ અન્ય સભ્યો તેમજ અજિત પવારને ટેકો આપતા બાકીના ૩૧ વિધાનસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગેરલાયક ઠેરવવા શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ આગ્રહપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. અહેવાલ અનુસાર શરદ પવાર જૂથે જે સભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરી છે એમાં વિધાન પરિષદના ચાર સભ્ય પણ છે.
એનસીપીના એક રાજકારણીએ જણાવ્યું હતું કે ‘શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીમાં કોઈ ભંગાણ નથી પડ્યું એવું અમારું દૃઢપણે માનવું છે. એ જોતા અજિત પવાર, પ્રધાનમંડળના આઠ સભ્યો અને તેમને ટેકો જાહેર કરનારા ૩૧ વિધાનસભ્યોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું સિદ્ધ થાય છે. પરિણામે બંધારણના ૧૦મા પરિશિષ્ટની જોગવાઈ અનુસાર તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ.’
એનસીપીના રાજકારણીએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ જૂને અજિત પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ અરજી દાખલ કર્યા બાદ શરદ પવારે ગુરુવારે ૫૦૦ પાનાંનો જવાબ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. અજિત પવારે પોતાની અરજીમાં શરદ પવારને સ્થાને તેમને એનસીપી અધ્યક્ષ તરીકે ઘોષિત કરવા તેમજ તેમના જૂથને ઘડિયાળનું ચિહ્ન અને પક્ષનું નામ ફાળવવા ચૂંટણી પંચને આગ્રહ કર્યો હતો. શરદ પવારના જૂથે જવાબ નોંધાવ્યો હોવાથી અજિત પવાર સાથે રહેલા વિધાનસભ્યોનો ચોક્કસ આંકડો પહેલી વાર પ્રકાશમાં આવ્યો છે. ૫૩ વિધાનસભ્યોમાંથી શરદ પવાર પાસે માત્ર ૧૩ વિધાનસભ્ય છે એ સોગંદનામા પરથી સ્પષ્ટ થાય છે. અજિત પવારે ઊભા કરેલા બધા મુદ્દા શરદ પવાર જૂથે તેમની અરજીમાં નકાર્યા છે.