આમચી મુંબઈ

દિશા સાલિયનના પિતા ફરી જૉઈન્ટ કમિશનરને મળ્યા: ગુનો નોંધી કાર્યવાહીની માગણી કરી

મુંબઈ: મલાડમાં 2020માં જીવ ગુમાવનારી સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા ગુરુવારે ફરી મુંબઈના જૉઈન્ટ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેમની ફરિયાદને આધારે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

દિશાના પિતા સતીશ સાલિયન તેમના વકીલો સાથે ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે દક્ષિણ મુંબઈમાં આવેલા પોલીસ મુખ્યાલયમાં પહોંચ્યા હતા. જૉઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ)ને મળી તેમની દીકરી દિશાની હત્યા કરવામાં આવી હતી અને ગુના પ્રત્યે ઢાંકપિછોડો કરવામાં આવ્યો હોવાનો દાવો પિતા સતીશ સાલિયને કર્યો હતો.

મીટિંગમાં સતીશ સાલિયન અને તેમના વકીલોએ લેખિત ફરિયાદમાં જે વ્યક્તિનાં નામ નોંધવામાં આવ્યાં હતાં તેમની સામે એફઆઈઆર નોંધવા સંબંધી ચર્ચા કરી હતી.

આપણ વાંચો: અમે મજા લઈ રહ્યા છીએઃ દિશા સાલિયન કેસમાં આરોપો સામે સંજય રાઉતે આમ કેમ કહ્યું

વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે ચર્ચા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું આજે જ નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરાવવા તૈયાર છું. જોકે મારી સાથે આદિત્ય ઠાકરે સહિત મારી અરજીમાં જેમનાં નામ છે તેમની પણ ટેસ્ટ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંતે બુધવારે એક ચૅનલ સાથેની વાતચીતમાં સતીશ સાલિયનની નાર્કો ટેસ્ટની માગણી કરી હતી.

વરિષ્ઠ અધિકારી સાથેની મીટિંગના હેતુ અંગે પૂછવામાં આવતાં સતીશ સાલિયનના વકીલોએ જણાવ્યું હતું કે અમારી ફરિયાદની નોંધ લેવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું રાજ્ય સરકારે કહ્યું હતું, પરંતુ હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવ્યો નથી.

એક વકીલે એવું પણ જણાવ્યું હતું કે આ કેસમાં સીબીઆઈ તપાસની પણ અમે માગણી કરી છે. આ કેસ પર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) કામ કરી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button