દિશા સાલિયાનની હત્યા નથી જ થઇ પોલીસે હાઇ કોર્ટને જણાવ્યું, આત્મહત્યા વિશે કોઇ શંકા ન હોવાનું સોગંદનામું નોંધાવ્યું

મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી અને તેની આત્મહત્યા વિશે શંકા હોય એવું કશુંય તપાસમાં મળ્યુ નથી, એમ જણાવતું સોગંદનામું મુંબઈ પોલીસે બૉમ્બે હાઇ કોર્ટમાં રજૂ કર્યું હતું, જોકે દિશાના પિતા સતિશ સાલિયન વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે તેના પર ગૅંગરેપ ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. દિશા સાલિયને તેના ફ્લેટની બાલકનીમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની શારીરિક અથવા જાતીય સતામણી થઇ હોવાના કોઇ નિશાન જોવા મળ્યા હોવાનું જણાવાયું છે, એમ પોલીસે હાઇ કોર્ટને કહ્યું હતું.
સાલિયન તેના પરિવારના ઝઘડાઓથી કંટાળેલી હતી અને તેના બિઝનેસ ડીલ સફળ થતા ન હોવાને કારણે તે ડિપ્રેશનમાં પણ હતી. તેથી તેણે હતાશામાં આત્મહત્યા કરી હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું. દિશા સાલિયનનું આઠમી જૂન, 2020ના મલાડમાં પોતાના 14મા માળે આવેલા ફ્લેટમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. ત્યારે પોલીસે એક્સિડન્ટ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધ્યો હતો. સતિશ સાલિયને આ વર્ષે માર્ચમાં હાઇ કોર્ટમાં ધા નાખીને તેની દીકરીના મૃત્યુ કેસમાં સીબીઆઇ તપાસ કરાવવાની અને શિવસેના-યુબીટીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે એફઆઇઆર નોંધવાની માગણી કરી હતી.
તેમણે દાવો કર્યો હતો કે જૂન, 2020ના તેમની દીકરીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિશા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે રાજકીય સંડોવણી છે અને તેથી અમુક વ્યક્તિઓ સત્ય બહાર આવવા દઇ રહ્યા નથી. હાઇ કોર્ટમાં આ અરજી બુધવારે સુનાવણી માટે આવી હતી અને આગામી સુનાવણી 16મી જુલાઇ સુધી મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ આ કેસની તપાસ કરનાર માલવણી પોલીસે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે દિશા સાલિયને આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો: દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી…
આત્મહત્યા વખતે દિશાએ દારૂ પીધો હતો અને તે વખતે તેની સાથે તેનો મિત્ર પણ હતો, તેણે પણ કોઇ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો, એમ સોગંદનામામાં જણાવાયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કંઇ શંકાસ્પદ જણાયુ નથી, એમ તેમાં વધુમાં જણાવાયું હતું.
સાલિયન મૃત્યુ કેસમાં પોલીસના વલણ બાબતે ફડણવીસે આદિત્યની માફી માગવી જોઈએ: રાઉત

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યકક્ષાના પ્રધાન નિતેશ રાણે પાસેથી દિશા સાલિયન મૃત્યુ કેસના સંદર્ભમાં સેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે વિરુદ્ધ ભૂતકાળમાં કરેલી ટિપ્પણી બદલ માફી માગવાની માગણી કરી હતી. ભૂતપૂર્વ સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયનનું આઠમી જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં એક નિવાસી ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ શહેર પોલીસે અકસ્માત મૃત્યુ અહેવાલ (એડીઆર) નોંધ્યો હતો.
પોલીસે ગયા મહિને બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે આત્મહત્યા કરી હતી અને તેના મૃત્યુમાં કોઈ ગેરરીતિ મળી નથી, જ્યારે તેના પિતા સતીશ સાલિયને પુનરાવર્તન કર્યું હતું કે તેની પર ગેંગરેપ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. સતીશ સાલિયને આ વર્ષે માર્ચમાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમની પુત્રીના મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવા અને શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: આ પ્રધાને દિશા સાલિયાન ડેથ કેસમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
‘પોલીસ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દિશા સાલિયનના મૃત્યુમાં આદિત્ય ઠાકરેનો કોઈ હાથ નથી. છતાં, તેમની છબી ખરાબ કરવા અને તેમને અપમાનિત કરવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો,’ એમ રાઉતે અહીં પત્રકારોને જણાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આદિત્ય ઠાકરેની માફી માગવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે નારાયણ રાણેના પુત્ર, જે કેબિનેટ પ્રધાન પણ છે (નીતેશ રાણે), તેમણે માત્ર આદિત્ય ઠાકરેની જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના લોકો પાસે પણ માફી માગવી જોઈએ.
પાયાવિહોણા આરોપો લગાવનારા દરેક વ્યક્તિએ જાહેરમાં માફી માગવી જોઈએ, એમ રાઉતે કહ્યું હતું,
‘જેઓ રાજકીય લાભ માટે અન્ય લોકોને બદનામ કરે છે તેમને એક દિવસ ભારે કિંમત ચૂકવવી પડશે.’ એવી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી. મુખ્ય પ્રધાન ફડણવીસ રાજ્યના ગૃહ વિભાગનો હવાલો સંભાળે છે. એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે પણ આ મુદ્દો ઉઠાવતા એવો દાવો કર્યો હતો કે, ‘એકનાથ શિંદેના શિવસેના જૂથના ભાજપના નેતાઓ અને પ્રધાનો આદિત્ય ઠાકરે પર સતત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને આરોપો લગાવી રહ્યા છે.’
વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા, પવારે સરકારને વિનંતી કરી કે તેઓ ‘રાજકીય લાભ માટે જનતાને ગેરમાર્ગે દોરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ’ કરનારાઓ સામે કાર્યવાહી કરે. જોકે, ભાજપના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે સરકાર અને કાયદાનો અમલ કરનારી એજન્સીઓનો બચાવ કર્યો હતો. ‘સરકાર ક્યારેય તપાસ એજન્સીઓ પર દબાણ કરતી નથી. પોલીસ પુરાવા અને તથ્યોના આધારે તપાસ કરે છે. એવું લાગે છે કે વિપક્ષી નેતાઓ રાજ્ય સરકાર સામે પૂર્વગ્રહ રાખે છે. મને આશા છે કે તેઓ ટૂંક સમયમાં તેમની ગેરસમજોનો અહેસાસ થશે,’ એમ તેમણે કહ્યું હતું.
મને બદનામ કરવાનો પ્રયાસ છતાં ચૂપ રહ્યો: આદિત્ય ઠાકરે

દિશા સાલિયન મૃત્યુ કેસમાં વિપક્ષ દ્વારા નિશાન બનાવવામાં આવેલા શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે પોલીસના સોગંદનામાનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં ભૂતપૂર્વ સેલિબ્રિટી મેનેજરના મૃત્યુમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે મને બદનામ કરવાના પ્રયાસો કર્યા છતાં મેં ચૂપ રહેવું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો: દિશા સાલિયાન કેસ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું મહત્ત્વનું નિવેદન
ગુરુવારે, જ્યારે પત્રકારોએ વિધાનભવન પરિસરમાં આદિત્ય ઠાકરેને પોલીસની એફિડેવિટ વિશે પૂછ્યું કે મૃત્યુ કેસમાં કોઈ ગેરરીતિ થઈ નથી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘છેલ્લા પાંચ વર્ષથી અમુક વ્યક્તિઓએ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. મેં તે સમયે ક્યારેય તેમને જવાબ આપ્યો નથી અને હવે પણ જવાબ આપીશ નહીં.’
પિક્ચર અભી બાકી હૈ: નિતેશ રાણે

મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ ગુરુવારે કહ્યું હતું કે સાલિયનને મુદ્દે ‘પિક્ચર અભી બાકી હૈ’ (ફિલ્મ હજી પૂરી થઈ નથી) સાલિયનને ન્યાય મળશે. ઠાકરેની ટિપ્પણીનો જવાબ આપતા, મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ ખાતાના પ્રધાન નિતેશ રાણેએ કહ્યું હતું કે આ મામલો હજુ પણ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. વિધાનભવન પરિસરમાં બોલતા રાણેએ કહ્યું હતું કે, ‘જે સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે તે 17 જૂનના રોજ એસઆઈટીની એફિડેવિટ પર આધારિત છે. જોકે, દિશા સલિયનના પિતાએ ત્યારથી તેને પડકારતી બીજી એફિડેવિટ દાખલ કરી છે. તેથી, કેસ હજુ પૂરો થયો નથી.’
‘એસઆઈટીના રિપોર્ટ પર કોર્ટના અવલોકનોનું પોતાની રીતે અર્થઘટન ન કરવું જોઈએ. દિશાના પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે, અને મામલો ન્યાયાલયમાં છે. આગામી સુનાવણી 16 જુલાઈના રોજ રાખવામાં આવી છે,’ એમ તેમણે કહ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઠાકરે સામેના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે, ત્યારે રાણેએ કહ્યું, ‘આ રાજકારણ વિશે નથી. દિશા સાલિયનના પિતાએ તેમની પુત્રી ગુમાવી છે. તેમણે આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાનું નામ લીધું. શું તેઓ (દિશાના પિતા) હવે રાજકારણમાં જોડાઈ રહ્યા છે?’
આ પણ વાંચો: કવર સ્ટોરી : દિશાના ક-મોત પર રાજકીય ફાયદાની હોડ?
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત દ્વારા તેમની પાસેથી માફીની માગણી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું હતું કે, ‘દિશા સાલિયન માટે ન્યાય માગવા બદલ હું શા માટે માફી માંગું?’ માર્ચમાં સતીષ સાલિયન હાઇકોર્ટમાં ગયા પછી રાણેએ ઠાકરે સામે કાર્યવાહીની માગણી કરી હતી અને કહ્યું હતું કે તેમણે રાજીનામું આપવું જોઈએ. એક લોકપ્રિય ફિલ્મ સંવાદનો ઉપયોગ કરીને, ભાજપના નેતાએ કહ્યું હતું કે, ‘પિક્ચર અભી બાકી હૈ… દિશા સાલિયનને ન્યાય મળશે.’
આ સંદર્ભમાં ઠાકરે દ્વારા દાખલ કરાયેલી માનહાનિની ફરિયાદનું સ્વાગત કરતા, રાણેએ કહ્યું, ‘હું તેનું સ્વાગત કરું છું. કોર્ટમાં સત્ય બહાર આવવા દો.’ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઠાકરેના સોગંદનામામાં તેમને એક સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમાં તે એક વર્તમાન વિધાનસભ્ય છે તે હકીકતને બાકાત રાખવામાં આવી છે.