દિશા સાલિયન મૃત્યુ પ્રકરણ ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને પોલીસની નોટિસ
મુંબઈ: બાન્દ્રાના ફ્લૅટમાં આત્મહત્યા કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ કેસ સંબંધી જે માહિતી હોય તે પૂરી પાડવા પોલીસ સમક્ષ હાજર થવા માટે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને માલવણી પોલીસે નોટિસ મોકલાવી હતી. સાલિયને આત્મહત્યા નહોતી કરી, તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો રાણેએ કર્યો હતો.
માલવણી પોલીસે રાણેને નોટિસ પાઠવી હોવાની વાતને એક વરિષ્ઠ અધિકારીએ સમર્થન આપ્યું હતું. પોલીસ તપાસમાં સહકાર આપવાનું રાણેને કહેવામાં આવ્યું છે. પોતાની સુવિધા અનુસાર કોઈ પણ દિવસે તે આવી શકે છે, એમ અધિકારીનું કહેવું છે.
આ પણ વાંચો: નિતેશ રાણેની જીભ લપસી, ઉદ્ધવ ઠાકરે માટે કહી દીધી આવી વાત…
દિશા સાલિયને 8 જૂન, 2020ના રોજ મલાડની ગૅલેક્સી રિજન્ટ ઈમારતના 14મા માળેથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હતી. સાલિયનના મૃત્યુના અઠવાડિયા પછી સુશાંત સિંહે જીવન ટૂંકાવ્યું હતું. સુશાંત સિંહ મૃત્યુ કેસ પછીથી તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
સાલિયનનું મૃત્યુ શંકાસ્પદ હોવાના કોઈ પુરાવા હાથ ન લાગતાં પોલીસે 2021માં તપાસ પૂરી કરી હતી. જોકે આપેક્ષોને પગલે રાજ્ય સરકારે ડિસેમ્બર, 2023માં કેસની ફેરતપાસ માટે નોર્થ રિજનના એડિશનલ પોલીસ કમિશનરના વડપણ હેઠળ ત્રણ સભ્યની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની નિયુક્તિ કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી બુલડોઝર કાર્યવાહી: નાશિક હાઇવે પરની ગેરકાયદે મઝાર તોડી પડાઈ
પોલીસને આ કેસમાં શંકાસ્પદ જેવું કંઈ લાગ્યું નહોતું, પરંતુ જ્યારથી સાલિયન અને રાજપૂતનાં મૃત્યુ થયાં છે ત્યારથી રાણેએ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મનો ઉપયોગ કરીને બન્નેનાં મૃત્યુમાં એક ‘રાજકારણી’ની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા. રાણેએ આદિત્ય ઠાકરે પર ગંભીર આક્ષેપ કર્યા હતા.