મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: અભિનેતા ડિનો મોરિયા, તેના ભાઇની એસઆઇટીએ કરી પૂછપરછ

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ પ્રકરણે ધરપકડ કરાયેલા વચેટિયા સાથે કથિત કડી બદલ આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સોમવારે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઇની પૂછપરછ કરી હતી. ડિનો મોરિયાને ગયા સપ્તાહે સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જેને પગલે તે સોમવારે સવારે મુંબઈ પોલીસ મુખ્યાલયમાં આર્થિક ગુના શાખાના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડ સાથે જોડાયેલી કંપની સાથેના સંભવિત સંબંધો અને વોડર ઇન્ડિયા લિમિટેડના ધરપકડ કરાયેલા આરોપી કેતન કદમ સાથેના ગાઢ સંબંધોને લઇ ડિનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું 65 કરોડ રૂપિયાનું કૌભાંડ: બે વચેટિયાની ધરપકડ
આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) આ મહિનાની શરૂઆતમાં કૌભાંડમાં મુંબઈ મહાનગરપાલિકાને 65.54 કરોડ રૂપિયાનું નુકસાન કરવા બદલ પાલિકાના ત્રણ અધિકારી, પાંચ ખાનગી કોન્ટ્રેક્ટર સહિત 13 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. લગભગ 1,100 કરોડ રૂપિયાના ગાળ કાઢવાના કામના કરાર તપાસ હેઠળ છે.
દરમિયાન મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઇડી) પણ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમ જ કોન્ટ્રેક્ટરો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી, જેમાં મીઠી નદીમાંથી ગાળ કાઢવાના આ કૌભાંડ સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓમાં તેમની ભૂમિકાનો આરોપ હતો.
આ પણ વાંચો: મીઠી નદીની કાયાપલટનો ત્રીજો તબક્કો: ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કરાયો
નોંધનીય છે કે આ પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે, ડેપ્યુટી ચીફ એન્જિનિયર ગણેશ બેન્દ્રે અને તાયશેટ્ટી સહિત મેટપ્રોપ કંપનીના દીપક મોહન, કિશોર મેનન, મે. વિરગો સ્પેશ્યાલિટીસ પ્રા. લિ.ના જય જોશી, વ્હોડર ઇન્ડિયા એલએલપીના કેતન કદમ, કોન્ટ્રેક્ટર ભૂપેન્દ્ર પુરોહિત તથા એક્યુટ ડિઝાઇન્સ, કૈલાશ ક્ધસ્ટ્રકશન કંપની, એનએ ક્ધસ્ટ્રક્શન, નિખિલ ક્ધસ્ટ્રક્શન કંપની, જેઆરપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલકો સામે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આમાંથી વચેટિયા કેતન કદમ અને જય જોશીની ધરપકડ કરવામાં આવી હતી.