આમચી મુંબઈ

‘Dharavi Redevelopment’ની યોજના બે લાખ લોકોને ધ્યાનમાં રાખી બનાવીઃ ફડણવીસ

મુંબઈ: એશિયાની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર તરીકે ઓળખાતા ધારાવીના રિડેવલપમેન્ટ (પુનર્વિકાસ)નો મુદ્દે રિડેવલપમેન્ટના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારથી જ એક રાજકીય મુદ્દો બની ગયો હતો અને વિરોધ પક્ષો દ્વારા સરકાર પર રિડેવલપમેન્ટના ટેન્ડરમાં ગડબડ કરીને અદાણી ગ્રુપને ટેન્ડર આપવામાં આવ્યું હોવા સહિતના અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ આરોપોને ફગાવતા ખરેખર શું દૃશ્ય છે તે સ્પષ્ટ કર્યું હતું.

આ ઉપરાંત વિરોધ પક્ષો દ્વારા ટેન્ડર મેળવનારે પ્રિમિયમ ન ભર્યું હોવાનો આરોપ ફગાવતા ફડવણવીસે જણાવ્યું હતું કે કદાચ એ લોકો રાજકારણ જ કરવા માગે છે એટલે અજાણ બને છે કારણ કે 4,000 કરોડ રૂપિયાનું ટેન્ડર ભરાયું છે. એ શરત ક્યારેય હટાવાઇ જ નહોતી. અમે તો ઉદ્ધવ સરકાર બનાવેલા ટેન્ડરની 70,000 લોકોના પુનર્વસનની યોજનાનો વિસ્તાર કરી બે લાખ ધારાવીવાસીઓને ધ્યાનમાં રાખીને યોજના બનાવી છે.

ફડણવીસે સરકારે અદાણી ગ્રુપને આપવામાં આવેલા ટેન્ડરનો બચાવ કરતા કહ્યું હતું કે ધારાવીના રિડેવલપમેન્ટનું ટેન્ડર સૌપ્રથમ હું મુખ્ય પ્રધાન હતો ત્યારે બનાવવામાં આવ્યું હતું. જે ઉદ્ધવ ઠાકરેની સરકારે રદ કરીને નવેસરથી ટેન્ડર બનાવ્યું હતું.

અમે ઉદ્ધવ ઠાકરેની સરકારની કેબિનેટે તૈયાર કરેલું ટેન્ડર જ બહાર પાડ્યું છે અને અમે તેમાં એક જ શરતમાં ફેરફાર કર્યો હતો જે હતો ટીડીઆર (ટ્રાન્સ્ફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ)નો. અદાણી ગ્રુપ દ્વારા ટેન્ડરની તમામ શરતો પૂરી કરવામાં આવી હોવાનું પણ ફડણવીસે જણાવ્યું હતું.

તેમણે વધુ સમજાવતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની સરકારના ટેન્ડરમાં ટીડીઆરની ટોચ મર્યાદા નક્કી(કેપ) નહોતી. જો આમ થાય તો જેના હાથમાં ટેન્ડર જાય તે મુંબઈના ટીડીઆર માર્કેટનો માલિક બની જાય અને તે મુંબઈ તેના હાથમાં આવી જાય.
અમે એ થવા દઇ ન શકીએ એટલે અમે 90 ટકાની વેલ્યુ(કિંમત) પર ટીડીઆર આપવાની, તેની ટોચ મર્યાદા નક્કી કરવાની અને આ બધી જ પ્રક્રિયા ડિજીટલ પ્લેટફોર્મ પર કરવાની જેથી તે બધા સામે રહે તે શરત ઉમેરી હતી. ટીડીઆરની વેલ્યુ 90 ટકા કરતાં ક્યારેય નહીં વધે એવી શરત અમે ટેન્ડરમાં ઉમેરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button