બહેન સાથે અફૅરની શંકા પરથી ભાઈએ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બહેન સાથે અફૅરની શંકા પરથી કારખાનામાં ઘૂસીને ભાઈએ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હોવાની ઘટના ધારાવીમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ધારાવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સાહિલ શર્મા (22) તરીકે થઈ હતી. ધારાવીના સાંઈબાબા નગરમાં રહેતા શર્માની અરમાન રમઝાન શાહ (23)ની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી શર્માને શંકા હતી કે તેની બહેન સાથે અરમાનને અફૅર છે. આ બાબતે અગાઉ પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. અરમાન ધારાવી મેઈન રોડ પર પુનાવાલા ચાલમાં આવેલા ગાર્મેન્ટના કારખાનામાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો.
આ પણ વાંચો: નાગપુરમાં ‘ઝુંડ’ ફિલ્મના અભિનેતાની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા: મિત્રની ધરપકડ
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના બુધવારની સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી. આરોપી ચાકુ અને મરચાંની ભૂકી સાથે કારખાનામાં ગયો હતો. કારખાનાના માલિક અશરફ શેખ સાથે વાતચીત કર્યા પછી અચાનક તેણે મરચાંની ભૂકી અરમાનની આંખમાં નાખી હતી.
અરમાન આંખો ચોળી રહ્યો હતો ત્યારે આરોપીએ ચાકુથી તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અરમાનના પેટ અને બન્ને હાથ પર ઇજા થઈ હતી. તેને બચાવવા માટે ફરિયાદી શેખે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
દરમિયાન નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા અરમાનને તબીબે મૃત જાહેર કર્યો હતો. ધારાવી પોલીસે આરોપી શર્મા વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી. આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ. મળેલી માહિતીને આધારે પોલીસે રાજીવ નગર પરિસરમાં છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો.