Dharavi Redevelopment: સર્વે કરનારાના સમર્થનમાં આવ્યા સ્થાનિકો
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ (Dharavi Redevelopment) પ્રોજેક્ટને પહેલાથી જ રાજકીય રંગ લાગેલો છે અને હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર સત્તામાં આવશે તો અદાણી ગ્રુપ પાસેથી આ પ્રોજેક્ટ છીનવી લેશે તેવી જાહેરાત કરી હતી. એવામાં ધારાવીમાં સરકાર દ્વારા ઘરનો સર્વે કરવાનો બુધવારથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
જોકે આ દરમિયાન ઘણા જ રસપ્રદ દૃશ્યો જોવા મળ્યા હતા. એક બાજુ સર્વે કરવા આવનારા કર્મચારીઓને ધારાવીના સ્થાનિક રહેવાસીઓ પૂરો ટેકો આપી રહ્યા હતા તો બીજી બાજુ ‘ધારાવી બચાવો આંદોલન’ના લોકો વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.
વિરોધ કરનારાઓ સરકારી કર્મચારીઓને રીતસરના રોકીને સરકારની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. જોકે જેમના ઘરનો સર્વે થઇ રહ્યો હતો તે લોકો જ કર્મચારીઓના સમર્થનમાં ઉતરતા વિરોધ કરનારા આંદોલનકારીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઇ હતી.
મંગળવારે અહીંના ટ્રાન્ઝિસ્ટ કેમ્પમાં સર્વે કરનારા આવેલા કર્મચારીઓને આંદોલનકારીઓએ રોકતા તેમણે ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. જોકે બુધવારે સેક્ટર-2ના રાજીવ ગાંધી નગરમાં ધારાવી બચાવો આંદોલનના લોકોને સ્થાનિકોનું જબ્બર સમર્થન મળ્યું હતું અને સ્થાનિકો આંદોલનકારીઓ સાથે વિવાદમાં ઉતરી ગયા હતા. કર્મચારીઓને સ્થાનિકોનું સમર્થન મળતું જોઇ આંદોલનકારીઓ ત્યાંથી વધુ અવરોધ ઊભો કર્યા વિના પાછા ચાલ્યા ગયા હતા.
સ્થાનિકોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે અમે વર્ષોથી ઝૂંપડામાં રહીએ છીએ અને જ્યારે અમારા પુનર્વિકાસના પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે પોતાના સ્વાર્થ ખાતર અને રાજકીય રમત રમવા માટે તેમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે.