ધનંજય મુંડેને મોટો ઝટકોઃ કરુણા શર્માની તરફેણમાં સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
મહિલા અને બાળકોને પણ મુંડે જેવી લાઇફસ્ટાઇલ જીવવાનો અધિકાર છે એમ પણ કહ્યું

મુંબઈ: પ્રથમ પત્ની હોવાનો દાવો કરનારી મહિલા સાથે એનસીપીના નેતા ધનંજય મુંડેના સંબંધ પ્રથમદર્શી લગ્ન સમાન જ છે અને તેથી તે મહિલા ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત માટે દાવો કરવા પાત્ર ઠરે છે, એમ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું.
ભરણપોષણ આપવાના મેજિસ્ટ્રેટના આદેશ સામેની મુંડેની અરજીને શનિવારે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. મુંડેએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેમણે પ્રથમ પત્ની હોવાનો દાવો કરનારી મહિલા કરુણા શર્મા સાથે ક્યારેય લગ્ન કર્યા નથી.
મહિલા કાયદેસર પત્ની છે કે નહીં અને યોગ્ય તે ફોરમ નક્કી કરશે, પરંતુ ભૂતપૂર્વ પ્રધાનના તે મહિલા સાથે જે રીતના સંબંધ હતા તે લગ્ન જેવા જ હતા અને તેનાથી તેમને બે બાળક પણ જન્મ્યા છે. એક જ ઘરમાં સાથે રહ્યા વિના તે શક્ય નથી, એમ કોર્ટે કહ્યું હતું જેનો વિસ્તૃત આદેશ આજે ઉપલબ્ધ થયો હતો.
આ પણ વાંચો: શરદ પવારે જ ધનંજય મુંડેને પાઠ ભણાવવો જોઇતો હતોઃ કોણે આપ્યું નિવેદન?
જાણીતા રાજકારણીનું જીવનધોરણનો વિચાર કરીને મેજિસ્ટ્રેટે કરુણાને વચગાળાના ભરણપોષણની રાહત આપી તે યોગ્ય જ છે. જેવું જીવન મુંડે જીવી રહ્યા છે એવું જીવન જીવવા કરુણા અને બાળકોને પણ અધિકાર છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
ચોથી ફેબ્રુઆરીએ બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે કરુણાને મહિને ૧,૨૫,૦૦૦ રૂપિયા અને બન્ને દીકરીઓને મહિને ૭૫,૦૦૦ રૂપિયા ભરણપોષણ આપવાનો એનસીપીના નેતાને આદેશ આપ્યો હતો. કરુણા મુંડેએ ૨૦૨૦માં ધનંજય મુંડે સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો તે મુખ્ય અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા હજી કોઇ નિર્ણય લેવાયો નથી.
(પીટીઆઇ)