KBCમાં 26/11ના હુમલાના એ દૃશ્યને યાદ કરી આજે પણ કાંપે છે આ પોલીસ અધિકારીનું કાળજું
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય શહેર અને દેશની આર્થિક રાજધાની મુંબઈ પરના હુમલાની ગઈકાલે એનિવર્સરી હતી. 166 નિર્દોષનો જીવ લેનારા આ આતંકવાદી હુમાલાના શહીદોને લોકોએ યાદ કર્યા અને તે સાથે એ વીરજવાનો, પોલીસ અધિકારી, તાજ હોટેલનો સ્ટાફ અને સામાન્ય લોકો જેમણે લોકોને બચાવ્યા, આતંકીઓને જેલના સળિયા અને પછી ફાંસીના ફંદે લટકાવવામાં મદદ કરી.
આ દિવસને ધ્યાનમાં રાખી કૌન બનેગા કરોડપતિની 16મી સિઝનમાં તે સમયે મુંબઈગરાઓની રક્ષા કરનારા બે જાંબાઝ પોલીસ અધિકારીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, એન્ટી કરપ્શન બ્યુરો, મહારાષ્ટ્રના વિશ્વાસ નાંગરે પાટીલ, અને એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, એન્ટી કરપ્શન બ્યુરો, મુંબઈના સંજય ગોવિલકર હૉટ સિટ પર બેઠા હતા અને હૉસ્ટ અમિતાભ બચ્ચન સાથે તેમણે તે સમયની યાદો શેર કરી હતી જે મોટે ભાગે દુઃખદ જ હતી.
હથિયાર કે જેકેટ વિના જ આતંકવાદીઓ સામે બાથ ભીડી વિશ્વાસ પાટીલ નાગરેએ કહ્યું કે તેઓ હોટેલ તાજ પર હુમલાના સમાચાર મળતા ત્યાં ગયા અને પાછળના ગેટથી અંદર ઘુસ્યા. ઘસતાની સાથે જ તેમણે 8-10 લાશ જોઈ અને તેઓ ઘટનાની ગંભીરતા સમજી ગયા. તેમની પાસે માત્ર પિસ્તોલ હતી અને લાઈફ સેવિંગ જેકેટ્સ કે કહી ન હતું, પરંતુ આ બધાની પરવાહ કર્યા વિના તેમણે આતંકવાદીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
તે સમયે અહીં એક લગ્ન સમારંભ પણ હતો. આતંકવાદીઓ ક્યાંથી વાર કરે છે તે જોવા તેઓ સીસીટીવી રૂમમાં ગયા. તેમણે તાજ હોટેલના સ્ટાફની પ્રસંશા કરી અને કહ્યું કે તેમની મદદથી લગભગ 650 જેટલા લોકોને રેસ્કયુ કર્યા.
જોકે આ દરમિયાન તેમને સમાચાર મળ્યા કે મુંબઈ પોલીસના અધિકારી અને તેમના મિત્રો વિજય સાલસ્કર, શશાંક શિંદે આતંકીઓના હાથે માર્યા ગયા છે. આ સમાચારે તેમના રોમરોમમાં રોષ ભર્યો અને તેમણે આતંકીઓનો ખાત્મો બોલાવવાનો નિર્ધાર કર્યો. તેમણે મિસફાયર કરી આતંકીઓને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કર્યો, જેમાં એક આતંકી ઘાયલ પણ થયો. બંદી બનાવેલા લોકોની માહિતી તેમણે તત્કાલીન પોલીસ કમિશનરને આપી.
તત્કાલિન પોલીસ કમિશનરે આંતકવાદીઓની બંદૂક નીચે રાખવાનો આદેશ આપ્યો હતો કારણ કે નેવલ કમાન્ડો પહોંચી રહ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોએ VOIP ફોન પરથી માહિતી આતંકવાદીઓને શેર કરી અને કેમેરાને નુકસાન પહોંચાડવા અને હોટલને સળગાવી દેવાનું કહ્યું હોવાનુ પણ તેમણે કહ્યું
હું એ દશ્ય ભૂલી શકતો નથી
આતંકવાદીઓ સામેની આ લડત દરમિયાન અમુક એવી ઘટના બની જે હું ભૂલી શક્તો નથી તેમ કહેતા નાગરે ભાવુક થઈ જાય છે. એક તો તેમણે પોતાના 21 વર્ષીય કૉન્સ્ટેબલનો મૃતદેહ જોયો. તે મરેલો હતો, પરંતુ તેના ખભ્ભે બંદુક હતી અને આંગળી ટ્રીગર પર હતી. તે લડતા લડતા શહીદ થયો હતો. તો બીજુ દૃશ્ય એક હોટેલના રૂમનું હતું, જ્યાં બચવા માટે એક મહિલા બાથરૂમમાં છુપાયેલી હશે અને પોતાના 3 વર્ષના સંતાનને બચાવવા તે બાથટબમાં પડી હશે. જોકે નાગરેએ બાથટબમમાં મહિલા અને બાળકીને મૃતદેહ જોયો હતો અને તે તેઓ ભૂલી શકતા નથી, તેમ તેમણે જણાવ્યું હતું.