અજિત પવાર પ્લેન ક્રેશ: DGCA એ VSR વેન્ચર્સની સ્પેશિયલ ઓડિટના આદેશ આપ્યા

મુંબઈ: ગત બુધવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અજિત પવારનું અવસાન થયું હતું. આ પ્લેન ક્રેશ પાછળના કારણો જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIBની ટીમ તપાસ કરી રહી છે. એવામાં ડિરોક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ ખાનગી જેટ કંપની VSR વેન્ચર્સનું સ્પેશિયલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે અજીત પવાર લિયરજેટ 45 XRમાં મુસાફરી કરી રહ્યા હતાં, જેનું સંચાલન VSR વેન્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મુંબઈથી ટેક ઓફ કર્યા બાદ વિમાને બારામતીની એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ લેન્ડિંગના બીજા પ્રયાસ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શામ્ભવી પાઠક, પવારના અંગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું મૃત્યુ થયું હતું.
VSR વેન્ચર્સની તપાસ થશે:
અહેવાલ મુજબ DGCAના અધિકારીઓ VSR વેન્ચર્સ ચેક એન્ડ બેલેન્સ અને લોગબુકની તપાસ કરવામાં આવશે, એ જાણવા માટે કે કંપની પ્રોટોકોલ મુજબ વિમાનની જાળવણી અને લોગબુક ફાઇલ કરી રહી હતી કે નહીં. ઓડિટ રિપોર્ટ 15 ફેબ્રુઆરી સુધીમાં મળે તેવી અપેક્ષા છે.
VSR વેન્ચર્સ પર અગાઉ ઉઠી ચુક્યા છે સવાલો:
તાજેતરમાં એક નિવેદનમાં DGCA એ જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન (EU) ની એવિએશન રેગ્યુલેટર ઓથોરીટી યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)એ VSR વેન્ચર્સને EU એરસ્પેસમાં પ્રવેશવાની પરવાનગી આપી ન હતી.
14 સપ્ટેમ્બર, 2023 ના રોજ ભારે વરસાદ અને ઓછી વિઝીબીલીટી વચ્ચે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે VSR વેન્ચર્સનું એક લિયરજેટ 45 XR ક્રેશ થયું હતું.
અહેવાલ મુજબ VSR વેન્ચર્સ આ અકસ્માત અંગે EASAના પ્રશ્નોનો જવાબ આપી શકી ન હતી. EASA એ VSR વેન્ચર્સ માટે થર્ડ કન્ટ્રી ઓપરેટર (TCO) ઓથોરાઇઝેશન રદ કર્યું હતું.
નોન-EU એરલાઇન્સને યુરોપિયન યુનિયનની એરસ્પેસમાં કમર્શિયલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા માટે EASA દ્વારા TCO ઓથોરાઇઝેશન જરૂરી છે.
આપણ વાંચો: કાર દ્વારા જવાનું નક્કી હતું, અજિત પવારના ડ્રાઈવરે કર્યો અંતિમ રાત્રિનો મોટો ખુલાસો…



