કેન્દ્ર સરકારને ફડણવીસે જ આપ્યો ઝટકોઃ હિન્દી ભાષા મામલે લીધો યુ ટર્ન

મુંબઈઃ ત્રી-ભાષી શિક્ષણ નીતિનો બિનભાજપી રાજ્યો અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો વિરોધ કરી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ નીતિ લાગુ કર્યા બાદ હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે યુ-ટર્ન લેતા આવનારા સમયમાં આ મુદ્દે ગરમાવો આવી શકે તેમ છે.
રાજ્યમાં પહેલા ધોરણથી હિન્દી ભાષા તરીકે ફરજિયાત કરવાનો નિર્ણય ત્રણ-ચાર દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે લીધો હતો. જોકે આ નિર્ણયનો રાજકીય અને શૈક્ષણિક સ્તરે વિરોધ થયો હોત અને ખાસ કરીને રાજકીય પક્ષોએ આ નિર્ણયને સખત વખોડતા ફડણવીસે યુ ટર્ન લઈ જણાવ્યું હતું કે હિન્દી ભાષાની સખ્તી વર્તવામાં નહીં આવે, તે ફરજિયાત નથી. હિન્દીને માત્ર પર્યાયી ભાષા તરીકે લેખવામાં આવશે.
સરકારનો આ નિર્ણય રાજકારણીઓ સહિત શિક્ષણવિદ્દો અને મરાઠી ભાષાના તજજ્ઞોને પણ ન ગમ્યો અને આમ કરવાથી મરાઠી ભાષા પર હિન્દી હાવી થઈ જશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. મનસે, શિવસેના(યુબીટી) સાથે કૉંગ્રેસ પણ આ નિર્ણયના વિરોધમાં ઉતરી અને મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાવિરોધી નીતિ મહાયુતી સરકાર અપનાવી રહી હોવાનો પ્રચાર શરૂ કર્યો હતો. હિન્દી ભાષાનો વિરોધ નથી, પરંતુ તેને શિક્ષણમાં ફરજિયાત કરવામાં ન આવે તેવો મત ઘણાએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો… શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી મહારાષ્ટ્રમાં ભાજપ ફસાયું?
પુણે ખાતે એક કાર્યક્રમમાં ફડણવીસે જણાવ્યું કે હિન્દીને મહાારષ્ટ્રના વિદ્યાર્થીઓ પર થોપવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમ કહેવું ખોટું છે. મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી ફરજિયાત છે, બીજી કોઈ ભાષા ફરજિયાત બનાવવામાં આવી નથી.
મરાઠી ભાષા કમિટિનો પત્ર થયો લિક
દેવેન્દ્ર ફડણવીસે જે પુણેમાં કહ્યું તે પહેલા મરાઠી ભાષા વિભાગનો એક પત્ર વાયરલ થયો હતો, જેમાં એડવાઈઝરી કમિટીએ જણાવ્યું હતું કે સરકારે 17 એપ્રિલે જે ઠરાવ પસાર કર્યો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2026-2027થી હિન્દી ફરજિયાત વિષય તરીકે ભણાવવામાં આવશે તેવો આદેશ છે, તેને રદ કરવામા આવે. કમિટીના ચેરમેન લક્ષ્મીકાંત દેશમુખની સાઈનવાળા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવી નેશનલ એજ્યુકશન પોલિસીમાં કોઈપણ ભાષાને ફરજિયાત બનાવાવમાં આવી નથી. અલબત્ત આ પોલિસીમાં માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આથી હિન્દીને ફરજિયાત કરવું પોલિસીનો ભાગ નથી.
ફડણવીસે અન્ય રાજકીય પક્ષોનો વિરોધ અને લોકોના સેન્ટીમેન્ટ્સને ધ્યાનમાં રાખી ફેરવી તોળ્યું છે અને જો વિદ્યાર્થી હિન્દી સિવાય અન્ય કોઈ ભાષા શિખવા માગતો હોય તો તેને છૂટ આપીશું, તેમ કહી નેશનલ પોલિસી ફ્લેક્સિબલ છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો… પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત: મનસેની વિદ્યાર્થી પાંખનું વિરોધ પ્રદર્શન
વન નેશન વન લેંગ્વેજ પોલિસીનું શું
કેન્દ્ર સરકાર અને ભાષા વિભાગ સંભાળતા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે હિન્દી ભાષાના વિરોધ બદલ દક્ષિણ ભારતની રાજકીય પાર્ટીઓની ટીકા કરી છે. રાજકીય રીતે એવા આક્ષેપો થાય છે કે ભાજપ જેમ હિન્દુત્વના નામે આખા દેશને એક ઓળખ આપવા માગે છે તેમ હેવ ધર્મ બાદ ભાષા દ્વારા પણ આમ કરી રહ્યો છે. આ માટે હિન્દીને આખા દેશમાં ફરજિયાત કરવા માગે છે. જોકે મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્યમાં પોતાની ભાષા છે અને હિન્દી તેના પર હાવી ન થાય તેમ ઘણા રાજ્યો ઈચ્છે છે. ફડણવીસ સરકારે પહેલા તો નિર્ણય લઈ લીધો, પરંતુ હવે લોકોના સેન્ટીમેન્ટ્સ જોતા અન્ય રાજકીય પક્ષ લાભ ન ઉઠાવી જાય એટલે પાછા પગલાં કરી દીધા છે. જોકે આમ કરવાથી ભાજપની બહુમતી ધરાવતા રાજ્યએ પણ હિન્દી ભાષાનો આ રીતે વિરોધ કર્યો છે તેવું ચિત્ર ઊભું થશે, તે કેન્દ્ર સરકાર અને ભાજપની નીતિઓ માટે ઝટકા સમાન માનવામાં આવે છે.