શબ્દોના માસ્ટર: ફડણવીસે જાહેરાત દિગ્ગજ પીયૂષ પાંડેને શ્રદ્ધાંજલિ આપી…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ભારતીય જાહેરાત જગતના દિગ્ગજ અને લેખક પીયૂષ પાંડેને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપતાં તેમને ‘શબ્દોના માસ્ટર’ અને ‘સમજદાર વ્યક્તિત્વ’ ગણાવ્યા હતા. ભાજપનું 2014નું ચૂંટણી સૂત્ર ‘અબ કી બાર, મોદી સરકાર’ સહિત અનેક પ્રતિષ્ઠિત વન લાઈનર માટે જાણીતા પાંડેનું શુક્રવારે વહેલી સવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 70 વર્ષના હતા.
‘માત્ર ચાર શબ્દોમાં ‘અબ કી બાર, મોદી સરકાર’ દ્વારા પાંડેએ વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ચૂંટણીઓમાંની એકમાં ઇતિહાસ રચ્યો હતો,’ એમ ફડણવીસના મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) દ્વારા જારી કરાયેલા શોક સંદેશમાં જણાવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે જાહેરાત ગુરુની સર્જનાત્મક રેખાઓએ અનેક બ્રાન્ડ્સને તેમની અલગ ઓળખ આપી અને ભારતીય જાહેરાતમાં પરિવર્તન લાવ્યું હતું. પાંડેને ‘શબ્દોના માસ્ટર’ અને ‘સમજદાર વ્યક્તિત્વ’ તરીકે વર્ણવતા તેમણે કહ્યું હતું કે, ‘પ્રિન્ટનું-પ્રભુત્વ ધરાવતા યુગમાં પણ તેમણે ટેલિવિઝન માટે અસરકારક રીતે લખ્યું હતું. તેમનું કાર્ય ભારતીય ભાષાઓની સમૃદ્ધિને પ્રતિબિંબિત કરતું હતું અને એક વાક્યમાં સંદેશ આપવાની તેમની ક્ષમતા અજોડ હતી.’
‘તેમના અવસાનથી આપણે એક પ્રતિભાશાળી લેખક અને કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઊંડી સમજ ધરાવતું એક સમજદાર વ્યક્તિત્વ ગુમાવ્યું છે,’ એમ ફડણવીસે કહ્યું હતું, તેઓ શોકગ્રસ્ત પરિવારના દુ:ખમાં સહભાગી થયા હતા અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.



