CM ફડણવીસનો થાણે-MMR માટે માસ્ટર પ્લાન: 5 વર્ષમાં મેટ્રો પૂર્ણ થશે

કોસ્ટલ રોડ, વોટર ટેક્સી અને નવા ડેમ દ્વારા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું વચન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે થાણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માટે એક વ્યાપક એક્શન પ્લાન રજૂ કર્યો છે, જેમાં ટ્રાફિક ભીડ ઘટાડવા અને પાંચ વર્ષની અંદર મુખ્ય મેટ્રો પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું વચન આપવામાં આપ્યું છે.
૧૫ જાન્યુઆરીએ યોજાનારી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગ રૂપે બોલતા, ફડણવીસે સીમલેસ કનેક્ટિવિટી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વ્યાખ્યાયિત ભવિષ્યની રૂપરેખા આપી હતી અને એમએમઆરને પરેશાન કરતી ટ્રાફિકની ગીચતાની સમસ્યાને હલ કરવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં તમામ મુખ્ય મેટ્રો કામગીરી પૂર્ણ કરવાનો છે. આ ઉપરાંત શહેરની બહાર ભારે ટ્રાફિકને વાળવા માટે કોસ્ટલ રોડને એક “રિંગ રોડ” સાથે જોડવાની યોજના છે.
થાણેના મુખ્ય ઘોડબંદર રોડ પરના ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે મુખ્ય પ્રધાને કોલશેત-દિવા ખાતે “ગ્રોથ હબ” વિકસાવવાની જાહેરાત કરી હતી, જેમાં વોટર ટેક્સી સેવાઓ પણ ઉપલબ્ધ હશે. વધુમાં તેમણે પાણીની સમસ્યાને સંબોધતા ખાતરી આપી હતી કે ત્રણ વર્ષમાં પાણીની તંગી ભૂતકાળ બની જશે.
‘પોશીર અને પેલ્હાર બંધનું કામ આગામી ૩૬ મહિનામાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે. લાંબા સમયથી અટવાયેલા ગારગઇ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આનાથી આ ક્ષેત્રને વધારાનું ૫૦૦ મિલિયન લિટર પ્રતિ દિવસ પાણી મળશે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, એકવાર કાલુ ડેમ (થાણે જિલ્લાના મુરબાડ ખાતે) સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, પછી સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનની પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી જશે.
ચૂંટણી માટેના જોડાણ અંગે તેમણે સ્વીકાર્યું કે શરૂઆતમાં ઘણા ભાજપના કાર્યકરો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માંગતા હતા. જોકે, તેમણે થાણેમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેના સાથેના જોડાણને યોગ્ય ઠેરવ્યું.
“એકનાથ શિંદે એક અગ્રણી નેતા છે અને થાણે તેમની રાજકીય ઓળખનું કેન્દ્ર છે. તેમના ગૃહક્ષેત્રમાં અમારા સાથી પક્ષને નુકસાન પહોંચાડવું યોગ્ય નહોતું. અમે ગઠબંધનની તાકાત જાળવી રાખવા માટે ઓછી બેઠકો સ્વીકારવાનો નિર્ણય લીધો,” તેમણે કહ્યુ હતું.
આ પણ વાંચો…BMC ચૂંટણી: 11 જાન્યુઆરીએ ઉદ્ધવ અને રાજ ઠાકરેની સંયુક્ત સભા, જ્યારે 12મીએ મહાયુતિ ગજવશે મેદાન



