આમચી મુંબઈ

સોશ્યલ મીડિયાને ટ્રેક કર્યું હોત તો નાગપુર કારસાની ખબર મળી હોત: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર્યું કે નાગપુરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવવામાં પોલીસની ચૂક થઈ હતી. શુક્રવારે તેમણે કહ્યું હતું કે, જો નાગપુર હિંસાના દિવસે સોશ્યલ મીડિયા પોસ્ટ્સને વધુ અસરકારક રીતે ટ્રેક કરવામાં આવી હોત તો પોલીસને શું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી મેળવવામાં મદદ મળી હોત.
જોકે, તેમણે ગુપ્તચર ખાતાની કોઈ નિષ્ફળતા હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસનો પ્રતિભાવ યોગ્ય હતો અને એવું કહી શકાય નહીં કે તે અપૂરતો હતો એવો બચાવ પણ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો : નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…

કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં બંગાળીમાં લખાણ કરવામાં આવ્યું હતું, જે બાંગ્લાદેશમાં પણ બોલાય છે. એ નક્કી કરવાની જરૂર છે કે શું આ કોઈ મોટા કાવતરાંનો ભાગ છે, મુખ્ય પ્રધાને એક મરાઠી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સોશ્યલ મીડિયાને (જે દિવસે હિંસા ફાટી નીકળી હતી) એ બપોરે ટ્રેક કરવામાં આવવું જોઈતું હતું. નાગપુરના અને ગૃહ વિભાગના વડા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ટ્રેક કરવાનું જે રીતે થવું જોઈતું હતું તે રીતે કરવામાં આવ્યું નહોતું.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પવિત્ર શિલાલેખોવાળી ‘ચાદર’ સળગાવવામાં આવી હોવાની અફવાને કારણે સોમવારે સાંજે નાગપુરના અનેક ભાગોમાં મોટા પાયે પથ્થરમારો અને આગચંપીના અહેવાલો મળ્યા હતા.

સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભેગા થવા માટે વિનંતી કરતા સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા, એમ જણાવતાં ફડણવીસે ઉમેર્યું હતું કે, આ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અમારી પાસે ક્ષમતા છે, પરંતુ (સોશ્યલ મીડિયા પોસ્ટ્સ પર નજર રાખવાની) આદત કેળવવાની જરૂર છે. જો તે બપોરે સોશ્યલ મીડિયા પર સારી રીતે નજર રાખવામાં આવી હોત, તો અમને ખબર પડી હોત (શું આયોજન કરવામાં આવી રહ્યું છે), એમ તેમણે કહ્યું હતું.

આ હિંસા દરમિયાન સમસ્યા મુખ્ય રસ્તાઓ પર નહીં, પરંતુ સાંકડી ગલીઓમાં હતી, એમ પણ તેમણે કહ્યું હતું.
પોલીસે આ ગલીઓમાં જવાની અને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત બતાવી હતી. તેથી જ પરિસ્થિતિ વધુ વણસી નથી, એમ ફડણવીસે પોલીસનો બચાવ કરતા કહ્યું હતું.

પોલીસે અગાઉ એમ પણ કહ્યું હતું કે તેમણે નાગપુર હિંસા અંગે કોમી અશાંતિ ભડકાવવાના હેતુથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ અને વીડિયો સહિત 140 થી વધુ વાંધાજનક સામગ્રી ઓળખી અને રિપોર્ટ કરી છે. ઉદ્ધવ કે રાજ ઠાકરે કોણ તેમની સૌથી નજીક છે તે અંગે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું, છેલ્લા પાંચ વર્ષમાં, મારો ઉદ્ધવજી સાથે કોઈ સંબંધ નહોતો અને હું રાજ સાથે સંપર્કમાં રહ્યો છું. (ઉદ્ધવ સાથે) કોઈ ઝઘડો નથી. અમે એકબીજાને મળીએ ત્યારે વાત કરીએ છીએ પણ કોઈ સંબંધ હવે બાકી નથી.

આ પણ વાંચો : ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા

તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતી શાસક મહાયુતિ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સાથે મળીને લડશે. એવી કોઈ એક અથવા બીજી નાગરી સંસ્થા હોઈ શકે છે જ્યાં ગઠબંધન કામ ન કરે, પરંતુ એકંદરે સંકલ્પ એ છે કે સાથે મળીને લડવું, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button