કોંગ્રેસ-AIMIM સાથે ભાજપના ગઠબંધન મામલે ફડણવીસ લાલઘૂમ! નેતાઓ સામે કાર્યવાહીના આદેશ…

મુંબઈ: મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી બાદ સત્તા મેળવવા ભાજપે બે શહેરોમાં કોંગ્રેસ અને AIMIM સાથે ગઠબંધન કર્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો. એવામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી છે અને પાર્ટીની નીતિઓનું ભંગ કરનારા નેતાઓ સામે કડક પગલા ભરવાની ચેતવણી આપી.
તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીઓ બાદ ભાજપે અંબરનાથમાં કોંગ્રેસ અને અકોટમાં AIMIM સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું “ભાજપ ક્યારેય કોંગ્રેસ કે AIMIM સાથે ગઠબંધન કરી શકે નહીં. આવા ગઠબંધન અસ્વીકાર્ય છે અને તેને માન્યતા આપવામાં આવશે નહીં.”
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ ગઠબંધનો રદ કરવા સૂચનાઓ આપવામાં આવું છે, મંજુરી વગર આવા ગઠબંધનો બનાવવા માટે જવાબદાર આગેવાનો સામે શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે.
અંબરનાથ મામલે કોંગ્રેસની સ્પષ્ટતા:
નોંધનીય છે કે અંબરનાથમાં સત્તા મેળવવા ભાજપે કોંગ્રેસ અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે ગઠબંધન ‘અંબરનાથ વિકાસ આઘાડી’ બનાવ્યું.
કોંગ્રેસના નેતા સચિન સાવંતે બુધવારે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ ગઠબંધના અહેવાલને ફગાવી દીધા હતાં. તેમણે કહ્યું કે શિવસેનાના ભ્રષ્ટાચાર સામે લડવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ એક સાથે આવ્યા હતાં.
આ પણ વાંચો…સત્તાની લાલચે ભાજપ-AIMIM એક થયા, મહારાષ્ટ્રમાંના આ શહેરમાં બનાવ્યું ગઠબંધન…
અકોટમાં ભાજપ AIMIMએ હાથ મિલાવ્યા:
અકોલા જિલ્લાના અકોટ મ્યુનિસિપલ કાઉન્સિલ પર સત્તા મેળવાવ ભાજપના નેતાઓએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM), શિવ સેના (UBT), શિવસેના (શિંદેજૂથ), NCP (અજીત પવાર), NCP (શરદ પવાર), બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર તકવાદી હોવાનો આરોપ લગાવ્યો, અને કહ્યું કે પાર્ટી સત્તા કબજે કરવા માટે કોઈપણ સાથે ગઠબંધન કરવા તૈયાર છે.



