ભાજપમાં બળવાખોરોને મનાવવાના પ્રયાસો તેજ, દેવેન્દ્ર ફડણવીસ અને ગોપાલ શેટ્ટીની બેઠકમાં શું થયું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બળવાખોર નેતા ગોપાલ શેટ્ટીને મળ્યા હતા અને તેમને ઉત્તર મુંબઈની બોરીવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાંથી ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેવા માટે સમજાવ્યા હતા. બે વખતના લોકસભાના સભ્ય અને અનેક વખત વિધાનસભ્ય રહી ચૂકેલા શેટ્ટી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમની ઉમેદવારીના દાવાને અવગણીને ભાજપે બોરીવલી વિધાનસભા બેઠક પરથી સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી છે.
આ પણ વાંચો : ફડણવીસના જીવને જોખમ: સલામતી વધારવામાં આવી
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ગોપાલ શેટ્ટીએ દેવેન્દ્ર ફડણવીસને ખાતરી આપી છે કે તેઓ ક્યારેય ભાજપ છોડશે નહીં અને પાર્ટીને નુકસાન થાય તેવું કંઈ પણ કરશે નહીં. તાવડેએ એક્સ પર શેટ્ટી અને ફડણવીસની તસવીરો પણ શેર કરી હતી.
જોકે, શેટ્ટી ચૂંટણીના મેદાનમાંથી હટી જશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર છે. ગયા અઠવાડિયે ઉમેદવારી પત્ર ભર્યા બાદ શેટ્ટીએ કહ્યું હતું કે, મેં આ નિર્ણય પાર્ટીની ટિકિટની ઈચ્છાથી નહીં, પરંતુ સ્થાનિક કાર્યકરોની ચિંતામાં લીધો છે. કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી છે, આવો આપણે સૌ સાથે મળીને આપણા મતવિસ્તારમાં સકારાત્મક પરિવર્તન લાવીએ.
આ પણ વાંચો : બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે લગભગ 50 બળવાખોર નેતાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે ખેંચતાણ વધી છે. મહાયુતિમાં સૌથી વધુ 19 બળવાખોરો ભાજપના છે. આ ઉપરાંત શિવસેના શિંદેના 16 નેતાઓ અને એનસીપી અજિત પવાર જૂથના એક નેતાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં આ બળવાખોર નેતાઓને મનાવવાના પ્રયાસો તેજ થયા છે. આ સંબંધમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગોપાલ શેટ્ટીને સમજાવવા પહોંચ્યા હતા.