મરાઠા અનામત અંગે ચર્ચા કરી રહેલી કેબિનેટ સબ-કમિટી બંધારણીય રીતે માન્ય ઉકેલ શોધશે: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેએ શુક્રવારે ભૂખ હડતાળ શરૂ કરી હતી, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ મુદ્દા પર રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેબિનેટ સબ-કમિટી તેમની માગણીઓ પર ચર્ચા કરી રહી છે અને બંધારણીય માળખામાં ઉકેલ શોધી કાઢવામાં આવશે.
દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં માત્ર એક દિવસ માટે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવેલા જરાંગેએ વિરોધ ચાલુ રાખવા માટે નવી પરવાનગી માગી છે અને પોલીસ તેના પર સકારાત્મક વિચાર કરશે, એમ પણ ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય વહીવટીતંત્ર બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો અનુસાર કામ કરી રહ્યું છે અને તેના આદેશોનું પાલન કરવું પડશે.
‘મરાઠા સમુદાયને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સત્તા ધરાવતી કેબિનેટ સબ-કમિટી જરાંગેની માંગણીઓ પર ચર્ચા કરી રહી છે, સમિતિ કાનૂની અને બંધારણીય માળખામાં રહીને ઉકેલ શોધશે,’ એમ પણ તેમણે કહ્યું.
આ પણ વાંચો…મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?
જરાંગેએ એવી માગણી કરી છે કે બધા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવામાં આવે, જે એક કૃષિ જાતિ છે જેનો સમાવેશ ઓબીસી શ્રેણીમાં થાય છે, જેનાથી તેઓ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે પાત્ર બનશે. પરંતુ હાલના ઓબીસી સમુદાયો આનો વિરોધ કરે છે.
મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર મરાઠાઓને ઓબીસી સામે લડાવવાની વિરુદ્ધ હતી, તેમણે ઉમેર્યું હતું કે તે કોઈપણ સમુદાય સાથે અન્યાય થવા દેશે નહીં. ‘છેલ્લા દસ વર્ષમાં, મારી સરકારે મરાઠાઓના કલ્યાણ માટે ઘણું કર્યું છે, જે કોઈ અન્ય સરકારે કર્યું નથી,’ એવો દાવો મુખ્ય પ્રધાને કર્યો હતો.
મરાઠા અનામતના મુદ્દામાંથી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષોની ટીકા કરતા તેમણે કહ્યું કે, ગયા વર્ષે મરાઠાઓ માટે શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત કાયદાકીય રીતે માન્ય રહ્યું છે.
‘મુદ્દાને રાજકીયકરણ ન કરો અને ઓબીસી અને મરાઠાઓ વચ્ચે તણાવ વધારવાનો પ્રયાસ ન કરો. આપણું સામાજિક માળખું મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો…વરસાદ અને આંદોલનને કારણે ‘રખડી’ પડ્યા મુંબઈગરાઓઃ રેલવેએ શું કરી અપીલ?