આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ફડણવીસે મહાયુતિની એકતાને ફરીથી સમર્થન આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાસક મહાયુતિના ભાગીદારો સાથે જ છે અને કહ્યું હતું કે જો ચૂંટણી પહેલાનું જોડાણ સાકાર ન થાય તો પણ ચૂંટણી પછીનું જોડાણ તો નિશ્ચિત જ છે.

કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે મહાયુતિ ચૂંટણીનો સામનો કરવા માટે સજ્જ છે.
શાસક મહાયુતિમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે.

રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ મંગળવારે જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોમાં ચૂંટણી 2 ડિસેમ્બરે યોજાશે અને મત ગણતરી 3 ડિસેમ્બરે થશે.’ 29 મહાનગરપાલિકા, 32 જિલ્લા પરિષદ અને 336 પંચાયત સમિતિઓ માટે ચૂંટણી કાર્યક્રમ તેમણે જાહેર કર્યો નથી જ્યાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 31 જાન્યુઆરી પહેલાં ચૂંટણી કરાવવાની છે.

આ પણ વાંચો: મહાયુતિમાં મહાભારત: પાલિકાની ચૂંટણીઓમાં યુતિ તોડવી પણ નથી ને સાથે લડવું પણ નથી

‘ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને અમે ચૂંટણીનો સામનો કરવા માટે તૈયાર છીએ. મહાયુતિના અમારા નેતાઓ સંબંધિત સ્તરે ગઠબંધન અંગે નિર્ણય લેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં, અમે ત્રણે (મહાયુતિ ભાગીદારો) સાથે જ છીએ. ભલે કેટલેક સ્થળે ચૂંટણી પહેલાં ગઠબંધન ન થાય, પણ ચૂંટણી પછી ગઠબંધન ચોક્કસપણે થશે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
નગરપાલિકાની ચૂંટણીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો શાસક ગઠબંધનને ‘મોટા પાયે’ સમર્થન આપશે.

ઉલ્લેખનીય છે કે, શિવસેના (યુબીટી)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મરાઠવાડાનો પ્રવાસ શરૂ કર્યો હતો, જ્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.

ઠાકરેની મુલાકાત વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું કે વિપક્ષી નેતા રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે તે ‘સારી વાત’ છે.
‘પ્રથમ વખત ઉદ્ધવજી બહાર આવ્યા છે અને હું ખુશ છું,’ એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે સેના (યુબીટી)ના વડા ‘ટોણા મારવાથી આગળ વધી શકતા નથી.’

આ પણ વાંચો: મહાયુતિનો વિવાદ વધી રહ્યો છે! શિંદેના વિધાનસભ્યે ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો

‘મેં વારંવાર કહ્યું છે કે વિકાસના મુદ્દા પરનું તેમનું એક ભાષણ મને બતાવો અને 1,000 રૂપિયા જીતો,’ એમ તેમણે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે દ્વારા મતદાર યાદીમાં વિસંગતીઓનો આરોપ લગાવીને ચૂંટણી પંચની ટીકા કરવામાં આવી તે અંગે પુછવામાં આવતાં ફડણવીસે કહ્યું હતું કે મનસેના નેતા ફક્ત નગરપાલિકાની ચૂંટણીઓ મુલતવી રાખવાની માગણી કરી રહ્યા છે.

‘પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, ચૂંટણીઓ મુલતવી રાખી શકાતી નથી. તેથી તેમને ચૂંટણી પંચ પાસેથી જે જવાબ જોઈએ છે તે મળશે નહીં,’ એમ પણ ફડણવીસે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button