મુંબઈ અને ઉપનગરોમાં સસ્તા મકાનો ઉપલબ્ધ થશે કેબિનેટની બેઠકમાં છ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નગર વિકાસ, ગૃહનિર્માણ, રાહત અને પુનર્વસન, કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા, મહિલા અને બાળ વિકાસ તેમ જ કાયદો અને ન્યાય વિભાગો હેઠળ રાજ્ય કેબિનેટની બેઠકમાં મંગળવારે કુલ છ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે ક્ધસેપ્ટ આધારિત આઇકોનિક શહેરના વિકાસ માટેની નીતિ જાહેર કરી છે.
રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મંગળવારે મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં છ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તે મુજબ, રાજ્યમાં સિડકો સહિત વિવિધ સત્તાવાળાઓની માલિકીની જમીનો અને પ્લોટના યોગ્ય ઉપયોગ માટે નીતિ ઘડવામાં આવી છે. ઉપરાંત, ક્ધસેપ્ટ-આધારિત આઇકોનિક સિટી ડેવલપમેન્ટ માટે નીતિ જાહેર કરી હતી.

નગર વિકાસ વિભાગ
રાજ્યમાં સિડકો સહિત વિવિધ સત્તાવાળાઓ તરફથી જમીન અને પ્લોટનો યોગ્ય ઉપયોગ નક્કી કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ક્ધસેપ્ટ-આધારિત આઇકોનિક સિટી ડેવલપમેન્ટ માટે નીતિ જાહેર કરવામાં આવી છે. સિડકો સહિત અન્ય સત્તાવાળાઓને સંબંધિત ખ્યાલોના આધારે સંકલિત વસાહતો બનાવવાનો અધિકાર મળશે. રહેણાંક સંકલિત વસાહતો અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિસ્તારો બનાવવામાં આવશે. સિડકો સહિત વિવિધ સત્તાવાળાઓ તરફથી લેન્ડ બેંકોના યોગ્ય ઉપયોગ માટે નીતિ નક્કી કરવામાં આવી છે.

ગૃહનિર્માણ વિભાગ
બૃહન્મુંબઈ ઉપનગરોમાં વીસ એકર કે તેથી વધુ વિસ્તાર ધરાવતા મ્હાડાના આવાસ પ્રોજેક્ટ્સના પુનર્વિકાસ માટેની નીતિ નક્કી કરવામાં આવી છે. આનાથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં નાગરિકોને મોટી સંખ્યામાં પરવડી શકે તેવા દરે ઘરો મળશે.

રાહત અને પુનર્વસન વિભાગ
જમીન સંપાદન, સ્થળાંતર અને પુનર્વસન સંબંધિત કેસોના નિકાલ માટે નવી જગ્યાઓ બનાવવામાં આવશે. આનાથી જમીન સંપાદન, સ્થળાંતર અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર અધિનિયમ, 2013ની કલમ 64 હેઠળ દાખલ થયેલા પડતર કેસોના નિકાલમાં ઝડપ આવશે.

કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ
રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટી માટે 339 પદનું નિર્માણ કરવામાં આવશે. મંગળવારની બેઠકમાં 232 શિક્ષક અને 107 બિન-શૈક્ષણિક પદોને મંજૂરી આપવામાં આવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ
મહારાષ્ટ્ર ભીખ માંગવા પ્રતિબંધ કાયદામાંથી અપમાનજનક શબ્દો દૂર કરવાને મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાયદો અને ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અનુસાર, મહારાષ્ટ્ર ભીખ માંગવા પ્રતિબંધ કાયદા, 1959ની કલમ 9 અને કલમ 26માંથી રક્તપિત્ત પીડિત, રક્તપિત્તીયા, રક્તપિત્ત હોસ્પિટલ જેવા શબ્દો દૂર કરવામાં આવશે.
કાયદો અને ન્યાય વિભાગ
મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 માં સુધારો કરવાને મંજૂરી આપવામાં આવી હતી.



