દેવેન્દ્ર ફડણવીસે વાયદો કર્યો હતો કે…શું કહી ઉદ્ધવ ઠાકરે ભાવુક થયા
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે ત્યારે રાજકીય માહોલે વાતાવરણની જેમ વધારે ગરમી પકડ લીધી છે. મહારાષ્ટ્રમાં આ વખતે અલગ જ ચિત્ર છે. અહીં શિવસેના અને એનસીપીના બે ફાંટા પડી ગયા છે, જેમાંથી એક એક જૂથ ભાજપ સાથે અને બીજું જૂથ કૉંગ્રેસ સાથે રણમેદનમાં ઉતર્યું છે. આ બધા વચ્ચે 25 વર્ષ સાથે રહેનારી ભાજપ અને શિવસેનાએ પણ રસ્તા બદલી નાખ્યા છે. ગઈ લોકસભામાં સાથે લડ્યા બાદ હવે આ પહેલીવાર બન્ને પક્ષ અલગ અલગ લડી રહ્યા છે ત્યારે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે સંબંધોમાં આવેલી કડવાશના દિવસોને યાદ કર્યા હતા અને તેઓ દુઃખી થઈ ગયા હતા.
એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વાયદો કર્યો હતો કે તે મારા દીકરા આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવશે અને પોતે દિલ્હી ચાલ્યા જશે, પરંતુ મને મારા લોકોએ ઠગ્યો. તેમણે મને લોકો સામે ખોટો સાબિત કર્યો. ઠાકરેએ એમ પણ કહ્યું કે મેં મારા પિતાને વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન બનશે. તેમણે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેને યાદ કરતા કહ્યું હતું કે મારા પિતા અને તે સમયના ભાજપના નેતાઓ વચ્ચે નક્કી થયું હતું કે તેઓ દેશ સંભાળે અને અમે રાજ્ય સંભાળીશું. મારા પિતાના નિધન બાદ તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમારે ઘરે આવ્યા હતા. 2014માં જ્યારે મોદી વડા પ્રધાન બન્યા ત્યારે લાગ્યું કે સપનું સાકાર થયું, પણ પછી અમિત શાહ તેમની સાથે જોડાયા અને ભાજપની ચાલ જ બદલી ગઈ, તેમ ઉદ્ધવે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે અમારા હિન્દુત્વમાં અને ભાજપના હિન્દુત્વમાં ફરક છે. અમારું હિન્દુત્વ ઘરમાં ચૂલો સળગે તેમાં માને છે અને ભાજપ ઘર સળગાવવાની વાત કરે છે.
તેમણે કૉંગ્રેસ સાથેના ગઠબંધન વિશે જણાવ્યું કે કૉંગ્રેસ વેરવિખેર થઈ હતી, પરંતુ 2023થી તે ફરી મજબૂત બની રહી છે. રાહુલ ગાંધીની આગેવાની અને ઈન્ડિયા ગઠબંધન બાદ લોકો પોતાની વાત કહેવા બહાર આવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.
ગઈકાલે થયેલા મતદાનમાં મહારાષ્ટ્રની પાંચ બેઠકનો પણ સમાવેશ થયો હતો. હજુ 43 બેઠક પર મતદાન બાકી છે.