આમચી મુંબઈ

રાજ્યમાં ઈલેક્ટ્રોનિક વેહિકલ સંપૂર્ણ ટેક્સ મુક્ત: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્ય વિધાન પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે સરકાર 30 લાખથી વધુની કિંમત ધરાવતા વાહનો પરનો છ ટકા વેરો ઈલેક્ટ્રોનિક વેહીકલ (ઈવી) પર લગાવશે નહીં. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ પગલાંથી નોંધપાત્ર મહેસુલી આવક થવાની શક્યતા નથી અને રાજ્ય સરકારની ઈવીને પ્રોત્સાહન આપવાની નીતિ પણ છે.

વિધાન પરિષદમાં શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબ દ્વારા ઈવી અને વાયુ પ્રદૂષણ અંગે ઉપસ્થિત કરેલી ચર્ચાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. પરબે આ પ્રસ્તાવિત વેરા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ નિર્ણય કેન્દ્ર સરકારના પ્રદૂષણ રહિત ઈવીને વિવિધ પહેલ દ્વારા પ્રોત્સાહન આપવાના પ્રયાસોની વિરોધાભાસમાં છે.

ફડણવીસે જણાવ્યું હતું કે આ વેરાથી નોંધપાત્ર આવક થશે નહીં. આવી જ રીતે આનાથી રાજ્ય સરકારના ઈલેક્ટ્રિકલ વેહિકલના ઉપયોગ અંગેની પ્રતિબદ્ધતા અંગે ખોટો સંદેશ જશે. આથી રાજ્ય સરકાર મોંઘા ઈલેક્ટ્રિક વાહનો પરના છ ટકાના વેરાને રદ કરે છે.

બજેટમાં રાજ્ય સરકારે 30 લાખથી વધુ કિંમતના ઈવી પર છ ટકા વેરો લગાવવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલાં તેમણે વિધાન પરિષદમાં કહ્યું હતું કે રાજ્ય ઈવીની રાષ્ટ્રીય રાજધાની તરીકે ઉપસી રહ્યું છે. મોટા ઈવી પ્લાન્ટ રાજ્યના પુણે અને સંભાજીનગરમાં આવી રહ્યા છે. પરંપરાગત વાહનો પરથી ઈવી પર વળવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે.
પેટ્રોલ-ડીઝલના વાહનોનું વાયુ પ્રદૂષણમાં યોગદાન સૌથી વધુ છે.

આ પણ વાંચો : બફારો વધ્યો, ગરમી વધશે:રવિવાર સુધીમાં પારો ૩૬એ પહોંચશે…

તેમણે એમ પણ કહ્યું હતું કે ખાનગી અને સરકારી વાહન ક્ષેત્રો ઈવીને અપનાવી રહ્યા છે. રાજ્યના જાહેર પરિવહન ક્ષેત્રમાં 2,500 બસ સામેલ કરવામાં આવી રહી છે. ઈવીની નોંધણી રાજ્યમાં સતત વધી રહી છે. નવા રજિસ્ટર થનારા વાહનોમાં પચાસ ટકા વાહનો હવે ઈવી છે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button