દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી...

દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…

નાયબ મુખ્ય પ્રધાનના ખાતા પરના ખર્ચ પર બ્રેક લગાવી: વિવિધ યોજનાઓમાં કામને મંજૂરી આપતા પહેલા મુખ્ય પ્રધાનની મંજૂરી લેવાના નિર્દેશ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં શિંદેને નિયંત્રણમાં રાખવાનો પેંતરો?

મુંબઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની પાર્ટીને જ્વલંત સફળતા મળે તે હેતુથી નગર વિકાસ વિભાગ છૂટા હાથે ખર્ચ કરી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતાં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ખાતા પરના ખર્ચ પર અંકુશ લગાવવાનો નિર્ણય લીધો છે. તે મુજબ, વિવિધ યોજનાઓમાં કામને મંજૂરી આપતા પહેલા ફડણવીસની મંજૂરી લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં, શિવસેનામાં અભૂતપૂર્વ ભંગાણ પડ્યું ત્યારે ઘણા વિધાનસભ્યોએ ભંડોળ મળતું ન હોવાનું કારણ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડવા માટે આપ્યું હતું. આ પછી, એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા. શરૂઆતના કેટલાક મહિનાઓ બાદ કરતાં, તેમણે છૂટા હાથે ખર્ચ કરવાનું શરૂ કર્યું. શિંદેના કાર્યકાળ દરમિયાન, સેનાના વિધાનસભ્યોને ઘણું ભંડોળ મળ્યું. આ આંકડો સરેરાશ એકથી દોઢ હજાર કરોડની રેન્જમાં હતો. લોકસભા અને વિધાનસભામાં શિવસેનાની સફળતા પાછળ આ જ તાકાત હોવાનું માનવામાં આવે છે, પરંતુ હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તે જ તાકાતને નબળી પાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં આના પરિણામો જોવા મળી શકે છે.

શિંદે કહે છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન આદિત્ય ઠાકરે બધા નિર્ણયો લેતા હતા. તેમના પક્ષના પ્રધાનોને એવું લાગે છે કે હવે ફરીથી એ જ સમય આવી ગયો છે. નગર વિકાસ વિભાગના કામ માટે શિંદેએ મુખ્ય પ્રધાન ફડણવીસની મંજૂરીની જરૂર પડશે. તેથી, શિંદેના નજીકના સૂત્રો કહે છે કે, ઠાકરે સરકારમાં જે બન્યું તેનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે. શું શિંદે ફક્ત સહી કરવા માટે જ રહેશે અને કયા કાગળ પર સહી કરવી તે મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા નક્કી કરવામાં આવશે. હવે આ જ મુદ્દે શિંદે સેનામાં અસ્વસ્થતા જોવા મળી રહી છે.

બધા પક્ષોના નેતાઓ કહે છે કે શિંદેને છૂટો હાથ છે. ભાજપ, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ પણ આમાં અપવાદ નથી. જોકે, આ છૂટછાટને કારણે, હવે ફક્ત સાથી પક્ષો જ મુશ્કેલીમાં મુકાયા છે. તેથી જ ભાજપ અને એનસીપીના વિધાનસભ્યોએ નગર વિકાસ વિભાગ દ્વારા ચાલી રહેલા ખર્ચ અંગે મુખ્ય પ્રધાન ફડણવીસને ફરિયાદ કરી હતી. હાલમાં ઘણી નગરપાલિકાઓમાં વહીવટકર્તાઓ છે. એટલા માટે નગર વિકાસ વિભાગ આના પર સીધું નિયંત્રણ ધરાવે છે. ભાજપ અને એનસીપીના વિધાનસભ્યો દ્વારા ફડણવીસને ફરિયાદ કરવામાં આવી છે કે રાજકીય સત્તાનો ઉપયોગ કરવા માટે આનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

નગર વિકાસ વિભાગ શિવસેનાના પ્રભુત્વવાળી નગરપાલિકાઓ પર ખાસ ધ્યાન આપે છે, જ્યારે મુખ્ય પ્રધાનને મળેલી ફરિયાદ મુજબ ભાજપ અને એનસીપીના પ્રભુત્વવાળી નગરપાલિકાઓને ભંડોળ મળતું નથી. તેથી જ ફડણવીસે નગર વિકાસ વિભાગના ખર્ચ પર અંકુશ લગાવવાનો નિર્ણય લીધો છે. તેથી, હવે શિંદેના વિભાગની સત્તાઓ ઓછી કરવામાં આવી છે.

જ્યારે શિંદે મુખ્ય પ્રધાન હતા, ત્યારે સેનાના પ્રધાનોને ભંડોળ અંગે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. પરંતુ મુખ્ય પ્રધાનપદ ગયા પછી, શિંદે માટે પડકારજનક સમય શરૂ થયો છે. ફડણવીસે શિંદેના મુક્ત હાથ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેથી, હવે શિંદેના પ્રધાનો, વિધાનસભ્યો અને ભૂતપૂર્વ કોર્પોરેટરો માટે ભંડોળનો પ્રશ્ર્ન ઉભો થશે. સરકારમાં શિંદેનું વર્ચસ્વ ઘટતું જાય છે એવો સંદેશ જતાં તેમના પક્ષની મુશ્કેલીઓ વધી શકે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button