શિવસેનાના વિધાનસભ્યોના ‘વર્ષા’ પર ધરણાં, એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા મનાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે સાંજ સુધી આગામી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા તૈયાર ન હતા. જોકે, શિવસેનાના વિધાનસભ્યોએ વર્ષા બંગલો જઈને અત્યંત ગંભીરતાથી પોતાની રજૂઆત કરી અને ખાસ્સા કલાકો સુધી હાઈ ડ્રામા થયા બાદ આખરે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા તૈયાર થયા હતા.
વર્ષા બંગલો પર બુધવારે મોડી રાતે થયેલા હાઈ ડ્રામાની વિગતો આપતાં ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે, ત્રણ લોકો શપથ લેશે તે નક્કી થઈ ગયું છે. એકનાથ શિંદે શપથ ગ્રહણ કરશે કે નહીં તે અંગે ગઈકાલ સુધી ચિત્ર અસ્પષ્ટ હતું. બધા વિધાનસભ્યો વર્ષા પર ગયા અને તેમને વિનંતી કરી કે અમારે સરકારમાં જોડાવું છે અને આ રાજ્યને નાયબ મુખ્ય પ્રધાન તરીકે તમારી જરૂર છે. તેમને કહેવામાં આવ્યું હતું કે તમે અજીતદાદા, દેવેન્દ્રજી જેવા લોકો સાથે રહેશો તો રાજ્યના વિકાસમાં ઘણો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તમામ વિધાનસબ્યોની લાગણીનું સન્માન કરીને તેમણે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા.
એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનવા તૈયાર નહોતા
એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી તે બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે માનસિક તૈયારી ધરાવતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમારામાંથી એકને નાયબ મુખ્યમંત્રી બનાવવો જોઈએ એવું તેમનું કહેવું હતું જોકે, બધા કહેતા હતા કે તમે નાયબ મુખ્ય પ્રધાન બનો અને સત્તામાં રહો. કારણ કે જ્યાં સુધી તમે સત્તામાં નથી ત્યાં સુધી વિધાનસભ્યોને સત્તા નહીં મળે, એમ અમે તેમને કહ્યું હતું. તેઓએ અમારી વિનંતીને માન આપ્યું હતું. ગઈ કાલે અમે એકનાથ શિંદેને મળ્યા ત્યારે પણ ત્યાં બે-ત્રણ ડોક્ટરો બેઠા હતા એમ જણાવતાં ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે તમામ વિધાનસભ્યોને મળવા અને તેમની લાગણીનું સન્માન કરવા બદલ અમે એકનાથ શિંદેનો આભાર માનીએ છીએ.
આ પણ વાંચો : શપથવિધિ બાદ શિંદે-શાહની મુલાકાત? રાજકીય દબદબો હેમખેમ રાખવાનો પ્રયાસ: સૂત્ર
ગૃહ ખાતું એકનાથ શિંદેને?
શિવસેના શિંદે જૂથ ગૃહ મંત્રાલય માટે આગ્રહ રાખી રહ્યું છે. શું તમારી માંગણીઓ સ્વીકારવામાં આવી છે? એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે, અમારી માગણી હજુ પણ છે કે એકનાથ શિંદેને ગૃહ ખાતું મળવું જોઈએ, પરંતુ ત્રણેય નેતાઓ બેસીને જે નિર્ણય કરશે તે યોગ્ય હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શિંદે જે નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય રહેશે.