અજિત પવાર અને NCP વિલીનીકરણ મુદ્દે હવે ફડણવીસે કર્યો મોટો ખુલાસો, તો છોડી ગયા હોત…

મુંબઈ: એનસીપીના વિલીનીકરણ અંગે બંને પક્ષો દ્વારા અલગ અલગ દાવા અને પ્રતિ-દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ મામલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની એન્ટ્રી થઈ છે. બંને પક્ષોનું વિલીનીકરણ થવાનું નહોતું, તેમ પરોક્ષ રીતે જણાવતા ફડણવીસે કહ્યું કે, જો એવું થવાનું હોત તો અજિત પવારે અમને તેની કલ્પના આપી હોત.
વધુમાં તેમણે સવાલ પૂછ્યો હતો કે, જો વિલીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોત તો શું અજિત પવાર રાષ્ટ્રીય એનડીએ છોડી ગયા હોત?
નિષ્ણાતો કહે છે કે અજિત પવારના મૃત્યુના માત્ર ચાર દિવસ પછી ઉતાવળમાં સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાને કારણે અને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા હોવાથી વિલીનીકરણ પ્રક્રિયા થોડી જટિલ બની ગઈ છે.
આપણ વાચો: એનસીપીના વિલીનીકરણ અંગે અનિશ્ર્ચિતતા
જ્યારે શરદ પવારના પક્ષના નેતાઓ વિલીનીકરણ પર આગ્રહ રાખી રહ્યા છે, ત્યારે દાદા જૂથના નેતાઓ દાવો કરી રહ્યા છે કે અજિત પવાર તરફથી આવી કોઈ ચર્ચા સાંભળી નથી.
ફડણવીસને આ વિશે પૂછવામાં આવતા તેમણે નિવેદન આપ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એક સ્વતંત્ર પાર્ટી છે. તેઓ પોતાના નિર્ણયો જાતે લે છે, પરંતુ એ વાત સાચી છે કે તે અમારી સહયોગી પાર્ટી હોવાથી, અમે તેમના નિર્ણયોની પાછળ મજબૂતીથી ઉભા છીએ. તેમના પક્ષમાં કોને પદ આપવું કે ન આપવું એ તેમનો આંતરિક વિષય છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
આગળ બોલતા, ફડણવીસે કહ્યું હતું કે અજિત પવાર સરકારમાં સ્થિર હતા. વ્યક્તિના અવસાન પછી વાત કરવી યોગ્ય નથી. નહીં તો હું ઘણી બધી વાતો કહી શકું છું. પરંતુ હું આ અંગે રાજકારણ કરવા માંગતો નથી.



