આજે થશે ખાતાની ફાળવણી, ફડણવીસ શા માટે ધીમે ધીમે ડગ ભરી રહ્યા છે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા મંત્રીઓએ શપથ લીધાને સાત દિવસ થઈ ગયા છે. શિયાળુ સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. ખાતાની ફાળવણી ક્યાં અટકી ગઈ તેવો પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. મંત્રીમંડળમાંથી ઘણાને દૂર કરવામાં આવતા મહાગઠબંધનમાં ત્રણેય પક્ષોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો સત્રમાં ખાતાઓની વહેંચણી કરવામાં આવશે તો આ નારાજગી વધુ વધી શકે છે, તેથી જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાવધ રહેવાનુ વલણ અપનાવ્યું હોવાની માહિતી બહાર આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન સત્રના અંત પછી 21 ડિસેમ્બર અથવા 22 ડિસેમ્બરે રાજભવનને ખાતા ફાળવણીનો પત્ર મોકલશે. એવું કહેવાય છે કે મંત્રીઓ 23 ડિસેમ્બરે સંભવિત વિભાગનો ચાર્જ સંભાળશે. એવું પણ કહેવાય છે કે શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ નારાજ લોકોને પ્રતિક્રિયા આપવાનો સમય જ નહીં મળે.
મહાયુતિના ખાતાઓની ફાળવણી પહેલા જ ધનંજય મુંડે વિવાદોમાં સપડાઈ ગયા છે. બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. શરદ પવારની એનસીપીના વિધાન સભ્ય જિતેન્દ્ર અવ્હાડે સીધો આરોપ લગાવ્યો છે કે વાલ્મિક કરાડ આ હત્યા કેસ સાથે સંબંધિત છે. વાલ્મિક કરાડને મંત્રી ધનંજય મુંડેના નજીકના માનવામાં આવે છે. તેના પરથી જિતેન્દ્ર અવ્હાડે આરોપ લગાવ્યો છે કે સરકાર ધનંજય મુંડેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે વાલ્મિક કરાડ કોની સાથે સંબંધિત છે તેની પર ધ્યાન આપ્યા વિના આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ધનંજય મુંડેએ કહ્યું છે કે તપાસમાં હકીકત બહાર આવી જશે.
પરંપરાગત રીતે વિદર્ભમાં વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાય છે. જો કે, વિદર્ભ સમજૂતી મુજબ અપેક્ષિત છ સપ્તાહનું શિયાળુ સત્ર હવે ઘટાડીને માત્ર એક સપ્તાહ કરવામાં આવ્યું છે. આથી વિદર્ભના વિધાન સભ્યોમાં નારાજગી અને નિરાશાનો માહોલ છે. છેલ્લા ઘણા સમયથી શિયાળુ સત્રનો સમયગાળો ઘટાડીને બેથી ત્રણ સપ્તાહનો કરવામાં આવ્યો છે. આ વર્ષે જોકે, તાજેતરમાં સત્તામાં આવેલી મહાયુતિ સરકાર દરમિયાન માત્ર એક સપ્તાહનું શિયાળુ સત્ર નાગપુરમાં યોજાયું હતું. તેથી કોંગ્રેસના વિધાન સભ્ય વિકાસ ઠાકરેએ એવો મત વ્યક્ત કર્યો છે કે વિદર્ભમાં વિવિધ મુદ્દાઓને સત્રમાં અપેક્ષિત અવકાશ મળી શક્યો નથી. તેમણે જણાવ્યું છે કે જ્યારે આ વર્ષે વિદર્ભના મુખ્ય પ્રધાન છે ત્યારે શિયાળુ સત્ર લાંબા સમય સુધી ચાલવું જોઇતું હતું. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે ઘણા વિધાન સભ્યો, ખાસ કરીને નવા વિધાન સભ્યોને બોલવાની તક મળી નથી.