મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટેલમાં જોવા મળ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટેલમાં જોવા મળ્યા

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે, રાજ્યમાં ફરી કોઈ મોટી રાજકીય ઉથલપાથ જોવા મળે એવી શક્યતા સેવાઈ રહી છે. બૃહન્મુંબઈ કોર્પોરેશન ચૂંટણી માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ગઠબંધન કરે તેવી શક્યતા છે. એવામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT) ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શનિવારે સાંજે મુંબઈની એક હોટેલમાં એક જ સમયે જોવા મળ્યા હતાં, જેને કારણે બંને વચ્ચે બેઠક થઇ હોવાની અટકળોએ જોર (Devendra Fadnavis and Aaditya Thackeray in a hotel) પકડ્યું છે.

અહેવાલ મુજબ શનિવારે સાંજે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી સોફિટેલ હોટેલ(Sofitel Hote, BKC)માં દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ સમયે હાજર હતા. ત્રણ કલાક બાદ આદિત્ય ઠાકરે હોટેલની બહાર નીકળ્યા હતાં, ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસ રવાના થયા હતાં. બંને નેતાઓ હોટેલના અલગ અલગ ગેટથી બહાર નીકળ્યા હતાં, જેનાથી પક્ષો વચ્ચે જોડાણની અટકળો શરુ થઇ છે.

બંને પક્ષોએ અહેવાલ ફગાવ્યા:

હોટેલમાં દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે બેઠક થઇ હોવા અંગે અહેવાલો બંને પક્ષોએ ફગાવી દીધા છે, બંને પક્ષોએ તેને માત્ર સંયોગ ગણાવ્યો છે. મુખ્ય પ્રધાન કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે ફડણવીસ એક અલગ કાર્યક્રમ માટે હોટલમાં ગયા હતાં. શિવ સેના(UBT)ના સુત્રો એ જણાવ્યું કે આદિત્ય ઠાકરે તેમના મિત્રો ને મળવા હોટેલમાં ગયા હતા.

તાજેતરનો ઘટનાક્રમ:

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, મુખ્ય પ્રધાન ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવાની વાત કરી હતી. મુખ્ય પ્રધાનના આ નિવેદને કારણે રાજકીય ચર્ચાઓ શરુ થઇ હતી, જો કે બાદમાં ઉદ્ધવ ઠાકરે એ તેને માત્ર હળવી મજાક ગણાવી હતી.

ગુરુવારે ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન ફડણવીસ વચ્ચે વિધાનસભામાં 20 મિનિટ સુધી બેઠક યોજાઈ હતી, ત્યારે ફરી રાજકીય અટકળોએ વેગ પકડ્યું હતું, જોકે આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે મરાઠી ભાષા વિવાદ મામલે ચર્ચા કરવા માટે બંને નેતા મળ્યા હતાં.

હવે ફડણવીસ અને આદિત્ય ઠાકરેએ એક હોટેલમાં એક સમયે હાજર હોવાના અહેવાલ મળતા મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. બે દાયકાથી અલગ રહ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે એ હાથ મિલાવ્યા છે. આ વર્ષના અંતે યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી સાથે લડે તેવી શક્યતા છે.

ભાજપ અને શિવસેના સંબંધ:

નોંધનીય છે કે અવિભાજિત શિવસેના અને ભાજપ વર્ષો સુધી સાથે રહીને ચૂંટણી લડી ચુક્યા છે. બંને પક્ષો વર્ષ 1989 થી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા સાથે મળીને લડ્યા હતાં. મહારાષ્ટ્રમાં બંને પક્ષોની ગઠબંધન સાકાર 1995 થી 1999 સુધી સત્તામાં રહી હતી. 1999 થી 2014 સુધી ભાજપ અને શિવસેના રાજ્યમાં વિરોધ પક્ષમાં સાથે રહ્યા હતા.

વર્ષ 2014 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો અલગ રહીને ચૂંટણી લડ્યા હતાં, પરંતુ પરિણામ બાદ સરકાર બનાવવા બંને પક્ષોએ ગઠબંધન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ની પછી આ ગઠબંધન વિખેરાઈ ગયું હતું. વર્ષ 2022માં શિવસેનાના વિભાજન બાદ રાજ્યના રાજકીય સમીકરણો ઝડપથી બદલાયા છે, જે હજુ સ્થિર થયેલા જાણતા નથી.

આ પણ વાંચો…શું રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધશે?

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button