મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પછી પણ જંગ ખેલાવાના અણસાર, જાણો નેતાઓ શું કહે છે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરે યોજાશે અને પરિણામો 23મીના રોજ જાહેર થશે. 2019માં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે કોઈપણ પક્ષ એકલા હાથે સરકાર સ્થાપી શકવાની સ્થિતિમાં ન હતો. ભાજપ અને શિવસેના અથવા કૉંગ્રેસ અને એનસીપી સાથે મળી સત્તા સ્થાપે તેવી સ્વાભાવિક અટકળોને ઊંધે કાંધ ખોટી પાડતા સમીકરણો ત્યારે ઘડાયા. જેમાં પહેલા તો દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને અજિત પવાર (એનસીપીએ) અચાનક સવારે રાજભવનમાં શપથ લઈ ભૂકંપ લાવી દીધો હતો, પરંતુ ભાજપને જબરો આચકો આપી માત્ર 80 કલાકમાં અજિત પવારે છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ કૉંગ્રેસ-એનસીપી સાથે શિવસેના જોડાઈ અને નવો જ પક્ષ મહાવિકાસ આઘાડી રચાયો અને તેમણે સત્તાનું સૂકાન સંભાળ્યું. લગભગ ત્રણેક વર્ષ આ સરકાર ચાલી ત્યાં પહેલા શિવસેના અને પછી એનસીપીના એક એક જૂથ છૂટા પડ્યા અને ભાજપ સાથે મળી મહારાષ્ટ્રની સત્તા પર આવી ગયા. હવે શાસક પક્ષ મહાયુતી અને વિરોધપક્ષ મહાવિકાસ આઘાડીના મુખ્ય છ પક્ષો ચૂંટણીની રેસમાં છે અને 23મીએ જનતા તો પોતાનો સિક્કો જે તે ઉમેદવાર-પક્ષ અને ગઠબંધન પર મારી દેશે, પરંતુ તે અંતિમ પરિણામ નહીં હોય, ખરો જંગ તો પરિણામો બાદ જ શરૂ થશે, તેવી શક્યતાઓ અવગણી શકાય તેમ નથી.
શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે
આ વાતને સાબિત કરતું નિવેદન તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસે પણ આપ્યું છે. તેમણે એક ઈન્ટવ્યુમાં સ્વીકાર્યુ છે કે 2024ની ચૂંટણી બધાથી અલગ છે અને પરિણામ પછી ચિત્ર જૂદું હોઈ શકે. અગાઉ અજિત પવારના નેતા નવાબ મલિકે પણ ઈશારો કર્યો છે કે જો ભાજપ સાથે વૈચારિક મતભેદ થશે તો નવી સરકારમાં તેઓ મહાયુતિ સાથે ન પણ હોઈ. આ સાથે મુખ્ય પ્રધાનપદ પર બેસવા મામલે પણ તેણે કહ્યું કે પાર્ટી જે કરવાનું કહેશે તે કરીશ. આથી પરિણામો આવ્યા બાદ દરેક પક્ષમાં મુખ્ય પ્રધાન અને મંત્રીપદ માટે પણ જંગ ખેલાશે.
આ પણ વાંચો : આખરે અજિત પવાર કરવા શું માગે છે? મોદીની છેલ્લી રેલીમાં એનસીપીના નેતાઓ ગેરહાજર
એ વાત જગજાહેર છે કે મહાયુતી અને મહાવિકાસ આઘાડીના તમામ પક્ષો એકબીજા સામે પણ બાંયો ચડાવે છે. તમામના નેતાઓ વચ્ચે જાહેરમાં ખેંચતાણ થઈ છે, તો ટિકિટો ન મળવાને લીધે બળવાખોરી પણ વધી છે.
જોકે સત્તા માટે કંઈપણ કરનારા પક્ષો પરિણામ બાદ આ બધા મતભેદો ભૂલાવી એક થઈ શકે છે. ક્યો પક્ષ કોના ખોળામાં બેસી જશે અને કોણ કોની આરતી ઉતારતું થઈ જશે તે જનતાને ખબર નહીં પડે.