ફડણવીસ-શિંદે વચ્ચેનુ શીતયુદ્ધ ફરી ચર્ચામાંઃ શિંદેના આરોગ્ય ખાતા પર ફડણવીસની તરાપ! | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ફડણવીસ-શિંદે વચ્ચેનુ શીતયુદ્ધ ફરી ચર્ચામાંઃ શિંદેના આરોગ્ય ખાતા પર ફડણવીસની તરાપ!

મુંબઈઃ ભાજપ અને શિવસેનાના પ્રધાનો વચ્ચે મનમેળ ન હોવાની ઘણી ખબરો બહાર આવે છે. આ સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે અને વર્તમાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનું શીતયુદ્ધ ઘણીવાર નજરે ચડી જાય છે. ફરી ફડણવીસના એક નિર્ણયે બન્ને વચ્ચેના મતભેદ કે ખેંચતાણ જગજાહેર કરી દીધી છે.

આરોગ્ય ખાતું શિવસેના (શિંદે) પાસે છે અને આરોગ્ય ખાતાનું એક કામ હોય છે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓને અમલમાં મૂકવાનું. ત્યારે હવે દેવેન્દ્ર ફડણવીસે આરોગ્યને લગતી યોજનાઓ માટે એક અલગ વૉરરૂમ શરૂ કરવાની જાહેરાત કરી છે.

આપણ વાચો: બેસ્ટના જનરલ મેનેજર પદ માટે ફડણવીસ અને શિંદે વચ્ચે હૂંસાતૂંસહાલ આઈએએસ ઓફિસર આશિષ શર્માને એડિશનલ ચાર્જ સોંપાયો…

આ MITRA નામનો વૉરરૂમ ઓટોનોમસ બોડી રહેશે અને તેનો ચાર્જ આઈએએસ અધિકારી પ્રવીણ પરદેશીને સોંપવામાં આવ્યો છે. મુંબઈ પાલિકાના કમિશનર રહી ચૂકેલા પરદેશી ફડણવીસના ખૂબ નજીકના માનવામાં આવે છે.

આરોગ્ય વિભાગ શિંદેસેના પાસે છે અને પ્રકાશ આબિટકર તેના પ્રધાન છે. હવે જો વૉરરૂમ આરોગ્યલક્ષી યોજનાઓ પર ધ્યાન દેશે તો તે આરોગ્ય પ્રધાનના કામ પર હસ્તક્ષેપ કર્યો ગણાશે.

એક તરફ જેમને જરૂરત છે તેવા દરદીઓને મદદ કરવા માટે એકનાથ શિંદે અને ફડણવીસ બન્નેએ અલગ અલગ મેડિકલ સેન્ટર શરૂ કર્યા છે. શિંદે મુખ્ય પ્રધાન થયા તે પહેલાથી શિવસેના મદદકક્ષ ચલાવે છે અને રાજ્યભરમાં તેમનું નામ છે. શિંદેસેનાએ મંત્રાલયના છઠ્ઠા માળે મુખ્ય પ્રધાન કક્ષ ઊભો કર્યો હતો.

આપણ વાચો: લાકડા પર ઊભેલો બકરોઃ સંજય રાઉતની ટ્વીટ કોના તરફ ઈશારો કરે છે?

મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફડણવીસે અલગ વૉરરૂમ બનાવ્યો છે, જેનો અર્થ થયો કે અમારી યોજનાઓ પર ફડણવીસની નજર રહેશે. તેનો અર્થ કે અંતિમ નિર્ણયો ફડણવીસ કરશે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્રણેય પક્ષ અંદરખાને અલગ અલગ લડવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા પણ છે. શિવેસના, એનસીપી અને ભાજપ વર્ષ 2024માં જંગી બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાનપદ માટે શિંદેએ જીદ કરી હતી.

એક સમયે શિંદેની નારાજગી જગજાહેર થઈ હતી. ત્યારબાદ ત્રણેય પક્ષ વચ્ચે સમાધાન થયું અને ભાજપના મુખ્ય પ્રધાન અને શિવસેના અને એનસીપીને નાયબ મુખ્ય પ્રધાનપદ મળ્યા.

ફડણવીસ અને શિંદે સાથે દેખાય છે, પરંતુ બન્ને વચ્ચે તણાવના સમાચાર આવ્યા કરે છે જ્યારે અજિત પવાર એક તરફ અલગ જ દેખાય છે, પરંતુ ફડણવીસ સાથે તેમનું ટ્યૂનિંગ બરાબર હોવાનું કહેવાય છે. જોકે ત્રણેય જાહેરમાં તો હમ સાથ સાથ હૈનું રટણ કર્યા કરે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button