આમચી મુંબઈ

વહેલા ચોમાસાથી મહારાષ્ટ્રમાં તારાજી: પુણે, બારામતીમાં પૂર જેવી સ્થિતિ, NDRF તહેનાત

મુંબઈઃ કેરળમાં દર વર્ષ કરતા વહેલું આવેલું ચોમાસું 25 મેના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભારે વરસાદને કારણે થયેલ વિનાશ પણ જોવા મળ્યો છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ 7 જૂનથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તે 12 દિવસ વહેલો પ્રવેશી ગયો છે. રાજ્યના ખેડૂતો માટે આ ખૂબ જ ખુશીની વાત છે. જોકે, મુશળધાર વરસાદ, ઘણા જિલ્લાઓમાં સામાન્ય લોકો અને ખેતરો માટે આફત નોતરી રહ્યો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પુણે જિલ્લામાં કુલ 22.5 મીમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે બારામતી,ઇન્દાપુર અને દૌંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રવિવાર (25 મે)ના રોજ પડેલા મુશળધાર વરસાદને કારણે બારામતીમાં પિંપળી વિસ્તારમાં નીરા ડાવા કેનાલ તૂટી જતા તેનું પાણી પાલખી હાઇ-વે સુધી પહોંચી ગયું હતું, જેના કારણે કાટેવાડી-ભવાનીનગર રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ કેનાલ તૂટી જવાના કારણે આસપાસની ખેતીને ભારે નુકસાન થયું છે. ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. બારામતીમાં 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને NDRF ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે.

દૌંડમાં સ્થિતિ ખરાબ

પુણે-સોલાપુર હાઇવે પણ પાણીમાં ડૂબી ગયો છે. પાણીના ભારે પ્રવાહમાં એક ઇનોવા કાર તણાઈ ગઈ હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. બારામતીના પેન્સિલ ચોક પાસે આવેલી બે જર્જરિત ઇમારતોમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

અજિત પવાર બારામતી જશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને પુણેના પાલકપ્રધાન અજિત પવાર બારામતીની મુલાકાત લેશે. તેમણે સ્થાનિક વહીવટી અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ બારામતી અને ઇન્દાપુર વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તમામ તંત્રોને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.

એકનાથ શિંદેએ પુણે-નાશિકની સમીક્ષા કરી

રવિવારે મધરાતે પુણે અને નાસિક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક સ્થળોએ કટોકટીની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુણે અને નાસિકના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ પાસેથી ફોન પર માહિતી લીધી અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા સૂચનાઓ આપી છે. બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળેએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત, તેમણે જિલ્લા વહીવટીતંત્ર, પીએમઆરડીએ અને મ્યુનિસિપલ કમિશનરને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમને સક્રિય રાખવા અને જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવા અપીલ કરી છે.

ચોમાસુ સામાન્ય કરતાં વહેલું આવ્યું

હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી બે દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચે તે માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. ચોમાસું 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. બે દિવસમાં તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી શક્યતા હતી. જોકે, બીજા જ દિવસે ચોમાસાએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો હતો.

રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ

દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 36 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાઈ ગયું છે. બીજી તરફ કેટલીક જગ્યાએ વરસાદને કારણે ખેતરોમાં રહેલા પાકને પણ અસર થઈ રહી છે.

ચોમાસુ કોંકણમાં પ્રવેશ્યું

દક્ષિણપશ્ચિમ ચોમાસુ ભારતમાં પ્રવેશી ગયું છે અને કેરળ, કર્ણાટકના મોટાભાગના ભાગો, ગોવા અને મહારાષ્ટ્રના કોંકણ સુધી પહોંચી ગયું છે. દેવગઢ (કોંકણ પ્રદેશ) માં ચોમાસુ પ્રવેશી ગયું છે અને આગામી પાંચ દિવસ સુધી રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં સ્થિતિ

ઉત્તર કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને 40-50કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તે જ સમયે, મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો…મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, જનજીવન ઠપ્પ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button