મધ્ય રેલવેમાં આ સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ, ટ્રેનોનું શિડ્યુલ જાણી લેજો!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેમાં કસારા રેલવે સ્ટેશન નજીક ગૂડસ ટ્રેનના બે વેગન રેલવેના પાટા પરથી ખડી પડવાના બનાવને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી. મુંબઈ ડિવિઝનમાં કસારા રેલવે સ્ટેશન નજીક રવિવારે સાંજના 6.31 વાગ્યાના સુમારે ગૂડ્સ ટ્રેન (જેએનપીટી)ના બે કોચ ટ્રેક પરથી ખડી પડ્યા હતા, પરિણામે કસારા અને ઇગતપુરી વચ્ચેના કોરિડોરના ટ્રેનવ્યવહારને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો.
સીએસએમટી કસારા સેક્શનની લોકલ ટ્રેનની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થઈ હતી, જેમાં અમુક ટ્રેનો રદ કરી હતી, જ્યારે રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ગૂડ્સ ટ્રેનના બે વેગનના ડિરેલમેન્ટને કારણે કસારાથી ઈગતપુરી ડાઉન અને મિડલ લાઈનને અર થઈ હતી, જ્યારે તેને કારણે મુંબઈ-સીએસએમટી હાવરા એક્સપ્રેસને અસર થઈ હતી. આ ઉપરાંત, લાંબા અંતરની ટ્રેનમાં સીએસએમટી-હાવરા એક્સપ્રેસ (12261)ને આટગાંવ રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ સીએસએમટી-ગોંદિયા વિદર્ભ એક્સપ્રેસ (12105)ને ઘાટકોપર, મુંબઈ-અદિલાબાદ નંદિગ્રામ એક્સપ્રેસ (11401) ઉંબરમાલી સ્ટેશન, સીએસએમટી-મનમાડ પંચવટી એક્સપ્રેસને વિક્રોલી સ્ટેશને રોકવામાં આવી હતી.
આ ઉપરાંત, સીએસએમટી નાંદેડ એક્સપ્રેસ (17612), ફિરોઝપુર પંજાબ મેલ એક્સપ્રેસ (12137) અને એલટીટી પ્રતાપગઢ એક્સપ્રેસને કસારા સ્ટેશને રોકી દેવામાં આવી હતી. એના સિવાય સબર્બનની લોકલ ટ્રેનસેવા પર અસર પડવાને કારણે ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી. આમ છતાં કસારાથી ઈગતપુરી વચ્ચેની લોકલ ટ્રેનસેવાને કોઈ અસર થઈ નહીં હોવાનો રેલવે દાવો કર્યો હતો.